ગોધરાના ભામૈયા તળાવમાં શંકાસ્પદ માંસનો જથ્થો ફેંકી આરોગ્ય સાથે ચેડાંનો પ્રયાસમાં ગ્રામજનો પોલીસ મથકે રજુઆત માટે પહોેંચ્યા

પંચમહાલ જીલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાંથી વહેલી સવારે આશરે 40 શંકાસ્પદ માંસ ભરેલા થેલા મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગોધરા બી-ડિવિઝન પોલીસ અને નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂા કરી છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે આ માંસનો જથ્થો તળાવમાં ફેંકી દીધો હતો. આ તળાવનું પાણી ગામના દુધાળા પશુઓ પીવે છે. ઉપરાંત, તળાવની નજીક જ ગામને પીવાનું પાણી પૂરૂં પાડતી વોટર વર્ક્સની ટાંકી આવેલી છે. આથી, ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

ગ્રામજનોએ આ ઘટનાને માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નહીં, પરંતુ ગોધરા અને જીલ્લાની કોમી એકતા અને શાંતિ ભંગ કરવાના ષડયંત્ર તરીકે ગણાવી છે. તેમણે અગાઉ ગામના મંદિર પાસે પણ આવા જ અણછાજતા કૃત્ય થયા હોવાનું જણાવ્યું હતું.

માંસનો જથ્થો મળ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો. નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી તળાવમાંથી ફેંકાયેલા થેલાઓને બહાર કાઢી વિસ્તારને જંતુમુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂા કરી છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ કૃત્ય કરનારાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.