દાહોદમાં મિત્રતાની આડમાં ખંડણીનો ખતરનાક બનાવ : નવા વર્ષની પાર્ટીના બહાને યુવકને ગોંધીને માર માર્યો, વીડિયો કોલ આવ્યો થી પરિવાર પાસે 50 હજારની માંગ, ત્રણ આરોપીની ધરપકડ

દાહોદ જીલ્લામાં મિત્રતાની આડમાં ખંડણી અને બંધક બનાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના વતની અને ફર્નિચર કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ નવા વર્ષની પાર્ટીના બહાને મકાનમાં લઈ જઈ ગોંધી રાખી માર માર્યો હતો અને વીડિયો કોલ દ્વારા તેના પરિવાર પાસે 50 હજાર રૂાપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે દાહોદ બી ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી યુવકને સલામત રીતે મુક્ત કર્યો હતો અને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.

મૂળ રાજસ્થાનનો શ્યામલાલ રોજગાર માટે દાહોદ આવ્યો હતો અને અહીં ફર્નિચરનું કામ કરતો હતો. આ દરમિયાન તેની દાહોદના શંકર સાંસી સાથે મિત્રતા થઈ હતી. મિત્રતાના કારણે શંકર અવારનવાર શ્યામલાલ પાસેથી નાની-મોટી રકમ ઉછીની લેતો હતો. બાદમાં શંકરે બંગલાના ફર્નિચર કામની લાલચ આપી વિશ્વાસ જીત્યો હતો તેમજ પોતાની ખોટી સોનાની વીંટી પણ પહેરવા આપી ગિરવે મૂકી રૂાપિયા લાવવાની વાત કરી હતી.

દાહોદનું કામ પૂરૂં થતા શ્યામલાલ અમદાવાદ કામ શોધવા ગયો હતો. ત્યારે શંકરે વીંટી પરત આપવા બહાને તેને દાહોદ બોલાવ્યો હતો. નવા વર્ષની પાર્ટીના બહાને શંકર સાંસી, કૃણાલ સાંસી અને તોશિફ અંસારી ત્રણેયે યુવકને એક મકાનમાં લઈ જઈ માર માર્યો અને રૂાપિયાની માંગ કરી હતી. આરોપીઓએ યુવકનો મોબાઇલ લઈ તેના પરિવારને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી હતી.

યુવકે સમયસૂચકતા દાખવી પોતાનું લોકેશન પરિવારને મોકલ્યું હતું. પરિવારજનોએ તાત્કાલિક દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પી.આઈ. સહિતની ટીમે સ્થળ પર પહોંચી યુવકને મુક્ત કર્યો અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.