ગોધરા પાસે વારંવાર તૂટતા અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઇવેનો રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહે પ્રાઈવેટ સર્વે કરાવ્યો, NHAIને સોંપ્યો

અમદાવાદ-ઈંદૌર નેશનલ હાઈવે નંબર-47ની ગોધરામાં બિસ્માર હાલત અને વારંવાર થતા અકસ્માતોના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે એક નવતર પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો ટેકનિકલ સર્વે કરાવી તેનો અહેવાલ ગાંધીનગર સ્થિત NHAIના અધિકારી મારફત કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને સુપરત કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગોધરાને જોડતો આ હાઈવે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. ચોમાસા બાદ રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. ખાસ કરીને કઠલાલ નજીક પીઠાઈ ટોલનાકાથી ગોધરા વચ્ચેના પટ્ટામાં રોડની હાલત વધુ ખરાબ છે.

આ સમસ્યાના મૂળ કારણો જાણવા માટે સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે માત્ર રજૂઆતો કરવાને બદલે એક ખાનગી એજન્સીને રોકીને સમગ્ર રોડનો વૈજ્ઞાનિક અને ટેકનિકલ સર્વે કરાવ્યો હતો. આ સર્વેનો મુખ્ય હેતુ રોડ વારંવાર શા માટે તૂટે છે તેના ચોક્કસ કારણો શોધવાનો હતો.

આ સર્વે રિપોર્ટ સાથે સાંસદે ગાંધીનગર ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના રિજિઓનલ ઓફિસર સુનિલ યાદવ સાથે મુલાકાત કરી હતી અને તેમને રિપોર્ટ સુપરત કર્યો હતો. આ ઉપરાંત, તેમણે આ રિપોર્ટ સાથેનો પત્ર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ મોકલી આપ્યો છે.

પત્રમાં સાંસદે ભારપૂર્વક જણાવ્યું છે કે, માત્ર થીગડાં મારવાને બદલે સર્વેમાં દર્શાવેલ ખામીઓ દૂર કરીને રોડનું આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત નવીનીકરણ કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે આમ કરવાથી જ રોડ લાંબા સમય સુધી સુરક્ષિત અને ટકાઉ રહી શકશે.

સાંસદ ડો.રાજેન્દ્રસિંહ પરમારે કહ્યું કે અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે અનેક વાર તૂટી જાય છે અને દર વખતે તેનું પેચવર્ક કરવામાં આવે છે. નેશનલ હાઇવે ઓથોરિટીને આ સમસ્યા અને તેનું સોલ્યુશન બતાવવા માટે આ સર્વે કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ખાનગી એજેન્સી દ્વારા કરવામાં આવ્યો છે અને ખુબ ડીટેલમાં છે.

આ રિપોર્ટને લઈને ગાંધીનગર સ્થિતિ નેશનલ હાઇવે ઓથોરિટીના રિજિયોનલ મેનેજર સુનિલ યાદવ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ રિપોર્ટની સરાહના કરી છે અને કહ્યું કે આ રિપોર્ટ અમને હાઇવેની હાલત સુધારવા માટે મદદરૂપ થશે, તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે પણ આ રિપોર્ટ બાબતે ચર્ચા કરશે તેવું કહ્યું છે.

નેશનલ હાઇવે ઓથોરિટીના રિજિયોનલ મેનેજર સુનિલ યાદવે સાંસદ ડો.રાજેન્દ્રસિંહ પરમારને એવી ખાતરી આપી છે કે જ્યાં નેશનલ હાઇવે વારે વારે તૂટે છે, તેના કાયમી નિકાલ માટે RCC રોડ બનાવવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયામાં ગોધરાના જાણીતા આંખના સર્જન ડૉ.સમીર મહેતાનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. એક જાગૃત નાગરિક તરીકે ડૉ.મહેતાએ આ પ્રાઈવેટ સર્વે પૂરો પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના માટે સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સાંસદ ડૉ. જશવંત પરમારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી, ત્યારે મંત્રીએ ત્વરિત કામગીરીની ખાતરી આપી હતી. હવે આ ટેકનિકલ રિપોર્ટ સાથેની રજૂઆતને પગલે આગામી સમયમાં આ હાઈવેનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાશે તેવી આશા સેવાઈ રહી છે.