દિવાળી પહેલાં અમદાવાદના રસ્તા બન્યા જીવલેણ, અલગ-અલગ ૪ અકસ્માતમાં ૨ મહિલા સહિત ૪નાં મોત

દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદ શહેર અને એસ.પી. રિંગ રોડ પર અકસ્માતોની શ્રેણી સામે આવી છે. અલગ-અલગ ચાર માર્ગ અકસ્માતમાં બે મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં છે. હાથીજણ સર્કલ, વટવા જીઆઇડીસી, ઓગણજ ટોલટેક્સ અને રાજેન્દ્રપાર્ક બ્રિજ પાસે આ બનાવો બન્યા હતા. અકસ્માતોમાં ટ્રક, કન્ટેનર અને અન્ય વાહનોની ટક્કરથી લોકોનાં જીવ ગયા છે. કેટલીક ઘટનાઓમાં અકસ્માત સર્જ્‌યા બાદ વાહનચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસે ફરિયાદો નોંધી તપાસ શરૂ કરી છે.ન્યૂ વટવા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય મહિલાના છ મહિના પહેલાં જ હીરાવાડી વિસ્તારમાં લગ્ન થયા હતા. ૪ નવેમ્બરે સાંજે તે પોતાના મોપેડ પર વટવાથી સાસરી જવા નીકળી હતી. આ દરમિયાન એસ.પી. રિંગ રોડ પર હાથીજણ સર્કલ પાસે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે તેના મોપેડને ટક્કર મારી હતી.

અકસમાતમાં મહિલા રસ્તા પર પટકાઈ હતી અને ટ્રકનું વ્હીલ તેના પગ પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.વટવા જીઆઇડીસીના વિઠ્ઠલનગરના ટેકરા પાસે રહેતા એક કાપડના વેપારી ૫ નવેમ્બરે પત્ની સાથે મોપેડ પર મહેમદાબાદ ખાતે દીકરીના સાસરે ગયા હતા. સાંજે પરત ફરતી વખતે તેઓ વટવા જીઆઇડીસીના એસ.પી. રિંગ રોડ પર ટ્રાફિકમાં ઊભા હતા.તે દરમિયાન પાછળથી આવેલા કન્ટેનર ટ્રકે તેમના મોપેડને ટક્કર મારી હતી. વેપારી એક તરફ પટકાયા હતા, જ્યારે તેમની પત્ની ટ્રક તરફ ફંગોળાઈ હતી. આ દરમિયાન કન્ટેનરનું વ્હીલ તેમના શરીર પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જ્‌યા બાદ ટ્રકચાલક વાહન મૂકીને ભાગી ગયો હતો.

૩૦ ઓક્ટોબરે રાત્રે આશરે ૮ વાગ્યે શીલજ ચાર રસ્તા પાસે છૂટક મજૂરી કરતો યુવક પોતાના મિત્ર સાથે મોટરસાઇકલ પર અડાલજથી સામાન લઈને પરત ફરી રહ્યો હતો. એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઓગણજ તરફ જતાં ટોલટેક્સથી આશરે ૨૦૦ મીટર પહેલાં સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલા બાઇકે તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં ત્રણેય લોકો રસ્તા પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રોંગ સાઇડમાં બાઇક ચલાવી રહેલા યુવકનું મોત થયું હતું.રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની અને અમરાઈવાડી વિસ્તારમાં મંદિર બનાવવાનું કામ કરતા માર્બલ કારીગર ૨૨ ઓક્ટોબરે વહેલી સવારે ત્રણ વાગ્યા પહેલાં રાજેન્દ્રપાર્ક બ્રિજ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી કારે તેમને ટક્કર મારીહતી.

અકસમાતમાં માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. મૃતકની ઓળખ થયા બાદ પુણે રહેતા તેમના કાકાએ ‘આઈ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ચારેય બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુના નોંધી ફરાર વાહનચાલકોની શોધખોળ સહિતની તપાસ હાથ ધરી છે.