
ગાંધીનગરના અદાણી શાંતિગ્રામમાં રહેતા અને અદાણી સિમેન્ટ કંપનીમાં એચઆર હેડ તરીકે ફરજ બજાવતા ૫૨ વર્ષીય જાન વર્ગીસ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. મકાનનું ગેસ બિલ ભરવાના બહાને ગઠિયાઓએ તેમને અદાણી ગેસના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરીને બેંક અને ક્રેડિટ કાર્ડની વિગતો આપ્યા બાદ તેમના એચડીએફસી ક્રેડિટ કાર્ડમાંથી સાત ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૪,૪૯,૫૫૧ ઉપાડી લેવાયા હતા.
આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, ૩૦ સપ્ટેમ્બરની સાંજે જાન વર્ગીસના મકાનમાલિક નિશીત રાડિયાનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મકાનનું ગેસ બિલ બાકી હોવા અંગે અદાણી ગેસમાંથી ફોન આવ્યો હતો અને તેમણે વર્ગીસનો મોબાઇલ નંબર આપ્યો છે. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વર્ગીસને વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતે અદાણી ગેસનો પ્રતિનિધિ હોવાનું જણાવી બિલ ભરવા માટે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી હતી.
વર્ગીસે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેમાં એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો દાખલ કરી હતી. જાકે, પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ નહોતી. નેટ બેંકિંગનો પાસવર્ડ યાદ ન આવતાં ઠગે બાદમાં વાત કરવાનું કહી ફોન કટ કરી દીધો હતો. બીજા દિવસે સવારે વર્ગીસે નેટ બેંકિંગમાં લોગિન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોગિન થઈ શક્યું નહોતું.વર્ગીસ બેંકના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી રહ્યા હતા, ત્યારે જ તેમના ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડવાના મેસેજ આવવા લાગ્યા હતા.
તેઓ કંઈ સમજે તે પહેલાં જ ક્રેડિટ કાર્ડમાંથી સાત અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૪,૪૯,૫૫૧ ઉપાડી લેવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં વર્ગીસે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.