
ઓનલાઈન રજીસ્ટ્રેશન થકી વિવિધ છોડના રોપાઓનું ત્રણ કલાકમાં જ જબરજસ્ત ઉત્સાહ સાથે વિતરણ થયું.
દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રોપા વિતરણનો નવતર કીર્તિમાન.
પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ, સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ તથા પશ્ચિમ રેલવે રતલામ મંડળના સંયુક્ત ઉપક્રમે પશ્ચિમ રેલવે દ્વારા ફ્રીલેન્ડગંજ ખાતે ફાળવવામાં આવેલ ’પ્રકૃતિવન’માં રોપા વિતરણ મહોત્સવ ખૂબ સફળતાથી સંપન્ન થયો હતો.
પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે થતા સઘન વૃક્ષારોપણ અંતર્ગત આ વર્ષે આ રોપા વિતરણ મહોત્સવમાં મોટા વૃક્ષો અને ઘર આંગણે ઉછેરાતાં ફૂલના નાના છોડ એમ બે પ્રકારે વિતરણ થયું હતું. પ્રકૃતિ મિત્ર મંડળના સ્થાપક અજયભાઈ દેસાઈ, પ્રમુખ ધર્મેન્દ્ર (બબલુ)ખત્રી અને મંત્રી સાકીર કડીવાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ સમિતિના ક્ધવીનર નાસીર કાપડિયા અને આશિલ શાહના અનન્ય ઉત્સાહ અને આઈ.ટી. ટીમના સરસ મેનેજમેન્ટ થકી સામાન્ય છોડની સાથે રે’ર ગણાતા અનેક રોપાઓનું ખૂબ જ સરસ રીતે વિતરણ થયું હતું. પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા બે દાયકાથી દાહોદને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. મંડળના આ વિભાગના ક્ધવીનર નાસીર કાપડીયાના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા પ્રકૃતિ મિત્ર મંડળને ફાળવાયેલ મોટાં પ્લોટને મિયાવાકી તરીકે જાણીતી જાપાની પદ્ધતિથી નંદનવન બનાવ્યા બાદ ગુજરાતમાંથી નામશેષ થવાને આરે આવી ચૂકેલ અનેક વૃક્ષોના છોડ અન્યત્ર સ્થળેથી આ પરિસરમાં લાવી ઉછેર કરી આ વિસ્તારને નવપલ્લવિત કરી દેવાયો છે. આ રોપા વિતરણ કાજે આ વખતે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પદ્ધતિ અમલી બનાવાઈ હતી જે અંતર્ગત માત્ર એક જ અઠવાડિયામાં ઘર આંગણાના અને ખુલ્લા પ્લોટ માટેના ૫૦૦ થી વધુ લોકો દ્વારા રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા. જે અંતર્ગત ૫૧૫૩ રોપાઓનું વિતરણ થયું હતું. જે થકી પ્રકૃતિ મિત્ર મંડળનો એક નવતર કીર્તિમાન રચાયો હતો.
તા.૫.૭.૨૬ ને રવિવારે થયેલ રોપા વિતરણ મહોત્સવ અંતર્ગત મોટાં વૃક્ષ માટેના અને ઘર આંગણાના કૂંડામાં ઉછરતાં છોડ મળી કુલ ૫૧૫૩ રોપાઓનું ખૂબ જ સફળ કહી શકાય તેવું વિતરણ સંપન્ન થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહમંત્રી કિન્નર દેસાઈ તથા ઉપપ્રમુખ નીલમ અમીનના વડપણ હેઠળ ખાસ કરીને મંડળની પ્લાન્ટેશન સમિતિ, સ્નેક રેસ્ક્યુ ટીમ, સ્ટુડન્ટ નેચર ક્લબ ટીમ, સિનિયર સિટીઝન ટીમ તથા મીડિયા ટીમ પણ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ હતી. તો નવજીવન સાયન્સ કોલેજના એન.એસ.એસ. અને બોટનીના વિદ્યાર્થીઓ પણ ખૂબ મદદપ થયા હતા.
પશ્ચિમ રેલવે દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિકસાવાયેલ ‘પ્રકૃતિ વન’માં રચાયેલ “બટરફ્લાય ઝોન, બીયારણ વિકસિત કરવા માટે જર્મીનેશન ચેમ્બર દ્વારા વિકસિત અદ્દભુત ઈકો સિસ્ટમ વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.