દાહોદ જિલ્લામાં ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદથી મહત્વના ડેમમાં પાણીની આવક થતાં જળસ્તર વધ્યા છે. ફલ્ડ કંટ્રોલ મુજબ જિલ્લાના જળાશયોમાં પાણીનો જીવંત સંગ્રહ વધ્યો છે.
દાહોદ જિલ્લામાં ચોમાસાની જમાવટ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ૮ મુખ્ય જળાશયોની પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો કબુતરી ડેમ વિસ્તારમાં સોૈથી વધુ ૧૦૦ મી.મી.વરસાદ નોંધાયો છે. જેના કારણે આ ડેમની જળસપાટી ૧૮૩.૦૦ મીટરે પહોંચીને ૩૮.૨૦ ટકા જેટલી ભરાઈ ચુકી છે. આ ઉપરાંત ઉમરીયા ડેમ વિસ્તારમાં ૮૭ મી.મી.અને હડફ ડેમ સાઈટ પર ૬૭ મી.મી.ભારે વરસાદ થતાં આ જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. જેમાં હડફ ડેમ હાલમાં ૫૨.૪૮ ટકા જેટલો ભરાઈ ગયો છે. જિલ્લાના અન્ય જળાશયોની સ્થિતિ જોઈએ તો વંકલેશ્ર્વર ડેમ ૨૮ મી.મી.વરસાદ સાથે ૫૩.૪૬ ટકા અને કાળી-૨ ડેમ ૩૫ મી.મી.સાથે ૫૦.૫૫ ટકાની સપાટી વટાવીને અડધાથી વધુ ભરાઈ ચુકયા છે. માછણનાળા ડેમ પણ ૨૫ મી.મી.વરસાદની મદદથી ૫૦.૦૫ ટકા ભરાઈને સુ:ખદ સપાટી પર પહોંચ્યો છે. પાટાડુંગરી ડેમમાં પાણીનુ સ્તર ૧૬૬.૬૩ મીટર ૩૭.૭૮ ટકા પર પહોંચ્યુ છે. જયારે અડલવાડા ડેમ ૩૭ મી.મી.સાથે ૪૧.૯૭ ટકાની સપાટી વટાવી ચુકયો છે. ઉમરીયા ડેમમાં હાલમાં ૧૩.૫૨ ટકા પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. ફલ્ડ કંટ્રોલ મના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને લીધે ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ છે. આગામી સમયમાં જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા હળવી થશે.