પાવાગઢ ડુંગર પર પંચાયત અને ફોરેસ્ટની જગ્યામાં દુકાનદારોએ ગેરકાયદે દબાણો કરતા રસ્તા ટુંકા થતાં યાત્રાળુઓને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૫ દિવસમા ડુંગર પર દબાણ કરવાની ડ્રાઈવ ચાલુ કરવાના છે. દબાણ દુર કરવાની સમગ્ર કામગીરી પર હાલોલ એસ.ડી.એમ.મોનીટરીંગ કરશે.
પાવાગઢ ડુંગર પર તાજેતરમાં પથ્થર ધસી પડવાની ધટના બાદ ધટનાની તપાસ કરવા સમિતીની રચના કરી હતી. સમિતી દ્વારા ડુંગર પર માંચીથી મંદિર સુધી નિરીક્ષણ કરીને રિપોર્ટ બનાવીને કલેકટરને સોંપ્યો છે. ડુંગર પર અવાર નવાર દબાણો દુર કરાય છે. પરંતુ ફરીથી દુકાનદારો દબાણો કરી દેતા હોય છે. તેમજ દુકાનદારો દુકાનને લાંબી કરવા પથ્થરોને તોડીને જગ્યા બનાવે છે. જેનાથી પથ્થર નબળા પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. દુકાનના દબાણના લીધે રસ્તો ટુંકો થતાં યાત્રાળુઓને પસાર થવામાં તકલીફ પડી રહી છે. ડુંગર ગ્રામ પંચાયત અને ફોરેસ્ટની જગ્યા હોવાથી બંને વિભાગને દુર કરવા સુચના અપાઈ છે. જે પંચાયતનો વિસ્તાર છે ત્યાં પંચાયત અને ફોરેસ્ટનો વિસ્તાર છે. ત્યાં ફોરેસ્ટ વિભાગ ડ્રાઈવ ચાલુ કરશે. આવનાર ૧૫ દિવસમાં ડુંગર પરના દબાણો દુર કરવાની કામગીરી ચાલુ થશે. દબાણ દુર કરવા હાલોલ એસ.ડી.એમ.ને મોનીટરીંગ કરવા સુચના અપાઈ છે.