રેલ્વે વિભાગની તમામ કામગીરી ઈ-ઓફિસથી : ફાઈલો પણ ઓનલાઈન થશે

ભારતીય રેલ્વે પોતાના વહીવટી તંત્રને સંપુર્ણ ડિજિટલ બનાવવા તરફ એક મોટુ પગલુ ભરી રહી છે. રેલ્વે બોર્ડે દેશની તમામ ઝોનલ રેલ્વે, ઉત્પાદન એકમો અને વિભાગીય કચેરીઓને હવે કાગળ આધારિત પત્ર વ્યવહાર બંધ કરી ઈ-ઓફિસ વ્યવસ્થા હેઠળ કામકાજ ચલાવવાનો આદેશ આપ્યો છે.

નવા નિર્દેશો અનુસાર ફાઈલોની હેરફેર, મંજુરી પ્રક્રિયા, નોંધો, અહેવાલો અને આંતરિક પત્ર વ્યવહાર હવે ઓનલાઈન સિસ્ટમ મારફતે કરવામાં આવશે. અત્યા સુધી જે કામ માટે કાગળની ફાઈલો અને ટપાલ વ્યવસ્થાનો ઉપયોગ થતો હતો તે મોટાભાગે બંધ થઈ જશે. રેલ્વે બોર્ડના સંયુકત સચિવ ટી.શ્રનિવાસે આ અંગે તમામ મહાપ્રબંધકો અને વિભાગીય કચેરીઓને સુચના પાઠવી છે. રેલ્વે બોર્ડના અંદાજ મુજબ આ વ્યવસ્થા સંપુર્ણ અમલમાં આવ્યા બાદ દરરોજ અંદાજે ૨ થી ૨.૫ લાખ પાનાની બચત થશે. તેનાથી માત્ર ખર્ચમાં ધટાડો નહિ પરંતુ કામગીરીની ઝડપ પણ વધશે. હવે વિવિધ વિભાગોના અહેવાલ અને અન્ય દસ્તાવેજો ઈ-ઓફિસ મારફતે જ મોકલવાના રહેશે. સામાન્ય પરિસ્થિતિમાં કાગળની ફાઈલ કે સ્પીડ પોસ્ટનો ઉપયોગ કરવામાં આવશે નહિ. પશ્ર્ચિમ રેલ્વે સહિત તમામ ઝોનને આ સુચનાનુ કડક પાલન કરવા જણાવાયુ છે. અધિકારીઓને પણ ડિજિટલ પદ્ધતિઓનો મહત્તમ ઉપયોગ કરી કાગળ આધારિત પ્રક્રિયાઓ લગભગ શુન્ય સુધી લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.