
છોટાઉદેપુર જીલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને આપવામાં આવેલું મકાઈનું બિયારણ સડેલું અને ગુણવત્તાવિહીન નીકળ્યું છે. આ બિયારણ વાવ્યા બાદ મકાઈનો પાક ઊગ્યો ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રાઈબલ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને રૂા. 500માં મકાઈનું બિયારણ અને દવાની કીટ આપવામાં આવી હતી. આ માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી અને છોટાઉદેપુર પંથકના લગભગ 1000થી વધુ ખેડૂતોએ આ સરકારી યોજનાનો લાભ લીધો હતો. ખેડૂતોએ આ બિયારણ પોતાના ખેતરોમાં વાવ્યું હતું, પરંતુ દિવસો વીતવા છતાં મકાઈના છોડ ઊગ્યા નહોતા. જે ખેડૂતોએ ખાનગી વેપારી પાસેથી બિયારણ ખરીદીને વાવણી કરી હતી, ત્યાં મકાઈનો પાક ઊગી નીકળ્યો હતો. આના પરથી ખેડૂતોને સમજાયું કે, તેમને આપવામાં આવેલું સરકારી બિયારણ યોગ્ય નહોતું, જેના કારણે તેમની મહેનત અને ખર્ચ વ્યર્થ ગયા છે. અગાઉ છોટાઉદેપુર જીલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેનું વળતર હજુ ખેડૂતોને મળ્યું નથી. હવે મકાઈના બિયારણની ગુણવત્તાને કારણે ફરી એકવાર ખેડૂતોને નુકસાન થયું છે. વાવણીનો સમય પણ વીતી ગયો હોવાથી ફરીથી વાવેતર કરવું શક્ય નથી. સડેલું બિયારણ વાવ્યા બાદ પાક ન ઊગતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. તેઓ બિયારણ વિતરણ કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યાં ડેપો મેનેજરે બિયારણ બદલી આપવાનું શરૂ કર્યું હતું. જોકે, તપાસ કર્યા વિના બિયારણ બદલી આપવા પર સવાલો ઊભા થયા છે અને કેટલાક ખેડૂતો બિયારણ નકલી હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ મામલાની જાણ થતાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ વિતરણ કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમણે બિયારણના સેમ્પલ લીધા હતા અને તેનું વિતરણ તાત્કાલિક બંધ કરાવી દીધું હતું. આ સ્થિતિમાં ખેડૂતો હવે નવું વાવેતર ક્યારે કરી શકશે તે એક મોટો પ્રશ્ર્ન બન્યો છે.