છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગો વકર્યા : કમળાના 120 દર્દીઓ નોંધાયા

છોટાઉદેપુર નગરમાં પાણીજન્ય રોગોએ માથું ઉંચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. નગરમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ડ્રેનેજ લાઈનમાં પીવાના પાણીની લાઈનો અને નદીમાંથી ફિલ્ટર વગરનુ પાણી આવતુ હોવાનુ પ્રાથમિક કારણ જણાઈ રહ્યુ છે.

છોટાઉદેપુરના 35 હજાર લોકોના આરોગ્યની ચિંતા ઉભી થઈ છે. ગંદા પાણીની ગટર લાઈનમાંથી પીવાના પાણીની લાઈનો પસાર થઈ રહી છે. આ ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી એનો નિકાલ છોટાઉદેપુરથી પસાર થતી ઓરસંગ નદીમાં ઠાલવવામાં આવીરહ્યુ છે. આ જ ગંદુ અને દુષિત પાણી નદીમાં બનાવવામાં આવેલ વોટર વર્કસના કુવા નજીકથી પસાર થઈ રહ્યુ છે. નદીમાં બનાવેલા કુવાનુ પાણી સીધુ સંપના કુવામાં આવે છે અને ત્યારબાદ સીધુ લોકોના ધરમાં જઈ રહ્યુ છે. જેને લઈને દિવસે દિવસે કમળાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આ બાબતે સિવિલ હોસ્પિટલના તબીબે પણ રોગનુ કારણ દુષિત પીવાને કારણે અને દુષિત ખોરાક આરોગવાનુ કારણ બતાવી રહ્યા છે. છોટાઉદેપુરમાં પાણી જન્ય રોગોના કહેરથી 15 દિવસમાં 120 કમળાના દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓને કમળા, ઉલ્ટી અને પેટના દુ:ખાવા જેવા રોગોના શિકાર થઈને સારવાર લઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આવા દર્દીઓની સંખ્યા છે. નગરપાલિકા પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા અડધા શહેરને પણ પાણી પુરવઠો કરી શકે તેટલી નથી.આ પ્લાન્ટ નિયમિત ચાલતુ પણ નથી. નગરની ભુગર્ભ ગટર લાઈન યોજના નિષ્ફળ રહી છે. કવાંટ બ્રિજ પાસે લોકોના કનેકશનવાળી ગટર લાઈન તુટેલી હાલતમાં છે. આ ગંદુ પાણી સીધુ નદીમાં વહી જાય છે. અને પાલિકાના વોટર વર્કસમાં ભળી જાય છે. પરિણામે નગરજનોને આ જ દુષિત પાણી પી ને બિમાર પડે છે. જો તાત્કાલિક પગલા નહિ લેવા તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ભિતી સેવાઈ રહી છે.