કાલોલ તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનની ભરપાઈ સર્વે નંબર આધારિત આપવા ખેડુતોની માંગ

સરકારે પાક નુકસાની સહાય ખાતા આધારિત સર્વે અને નોંધણી કરતા વાસ્તવિક નુકસાની ભોગવતા અનેક ખેડુતો નોંધણીથી વંચિત રહી ગયા હતા. આ સ્થિતિને ઘ્યાનમાં લઈને વરસાદના નુકસાનની ભરપાઈ સર્વે નંબર આધારિત આપવાની વંચિત ખેડુતોએ માંગ કરી છે.

પંચમહાલ જિલ્લામાં ચોમાસુ સીઝનમાં થયેલી અતિવૃષ્ટિ અને રવિ સીઝનમાં થયેલા કમોસમી વરસાદને કારણે હજારો ખેડુતો આર્થિક રીતે પાયામાલ બન્યા છે. જે પાક નુકસાની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ છે. સરકારે જાહેર કરેલી પાક નુકસાની સહાય હેઠળની નોંધણી ખેડુત ખાતેદારોના ખાતા નંબર આધારિત થતી હોવાને કારણે એક ખાતુ ધરાવતા સંયુકત પરિવારના સભ્યો ખેડુત નોંધણી કરવાથી વંચિત જોવા મળી રહ્યા છે. ખેડુતોને સંયુકત ખાતા નંબર અનુસાર સઘન સર્વે નંબરોમાં પોતાના ભાગે પડતા સર્વે નંબરના ખેતરોમાં ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. જે મઘ્યે તાજેતરમાં પાક નુકસાની સહાય યોજના હેઠળ માત્ર ખાતા નંબર આધારિત નોંધણી થતી હોવાથી માત્ર એક જ ખેડુતને લાભ મળે છે. જયારે એક જ ખાતા નંબરમાં સમાવેશ થતાં પોતાના અલગ અલગ સર્વે નંબરમાં ખેતી કરતા અન્ય ખેડુત વારસદારો વંચિત રહી ગયા છે. એમાં નોંધણીથી વંચિત ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ચોમાસુ અને રવિપાક બંને સીઝનમાં થયેલા કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન થયુ છે. ખાતા આધારિત નોંધણી હજારો વંચિત ખેડુતો માટે અન્યાયી સાબિત થાય એ પહેલા સરકારે સર્વે નંબર આધારિત નોંધણી કરાવીને સમરસતા જાળવે તેવી વંચિત ખેડુતોની માંગ છે.