છોટાઉદેપુરમાં સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ ન કરતા ખેડુતો પાયમાલ બન્યા છે.જેને કારણે બજારોમાં 6,300 રૂપિયા ક્વિન્ટલ કપાસ વેચવા મજબુર છે. સરકારે ટેકાના ભાવ 8,100 રૂપિયા ક્વિન્ટલનો નકકી કરેલ છે. તે ભાવે સીસીઆઈએ ખરીદી શરૂ કરી નથી. જેથી ખેડુતોને પ્રતિ ક્વિન્ટલે 1,800 રૂપિયાનુ નુકસાન પહોંચ્યુ છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં કપાસની ખેતી ઉપર ખેડુતો નભે છે. કમોસમી વરસાદથી કપાસની ખેતીને નુકસાન થયુ હતુ. જયારે દિવાળી પહેલા કપાસમાં જે લાગ લાગી હતી અને તે કપાસ ખેડુતોએ ખેતરમાંથી વિણ્યો હતો. તે કપાસ ખેડુતોએ મુકી રાખ્યો હતો. સીસીઆઈ કપાસની ખરીદી શરૂ કરે તેવી આશા હતી. પરંતુ ડિસેમ્બર માસની શરૂઆત થઈ જવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદી શરૂ ન થતાં ખેડુતો ખુલ્લા બજારોમાં 6,300 રૂપિયા ક્વિન્ટલે કપાસ વેચવા મજબુર બન્યા છે. જયારે સરકારે ટેકાના ભાવ રૂ.8,100 નકકી કરેલા છે. હાલ તો ખેડુતોને રૂ.1,800 નુ નુકસાન એક ક્વિન્ટલ પર થઈ રહ્યુ છે. પરંતુ જીવન નિર્વાહ માટે ખેડુતો નાણાં ન હોવાને લીધે ખેતી કરવા માટે નાણાંની જરૂરિયાત છે ત્યારે સસ્તા ભાવે કપાસ વેચવા મજબુર બન્યા છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ ન કરાવીને ખેડુતોને આર્થિક રીતે નુકસાન સરકાર કરી રહી છે.