કવાંટના મુખ્ય માર્ગ પરના દબાણો દુર કરી વાહન વ્યવહાર સુવ્યવસ્થિત કરાયો

કવાંટ નગરમાં મુખ્ય માર્ગ પર વધતી અવર જવર તથા ટ્રાફિકની સમસ્યાને પગલે પંચાયત તથા પોલીસ તંત્ર દ્વારા સંયુકત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય બજાર તથા અન્ય નગરના માર્ગ પર થયેલા ગેરકાયદે દબાણો દુર કરવામાં આવતા વાહન વ્યવહારને થોડી રાહત મળી છે.

સ્થાનિક નગરજનો દ્વારા લાંબા સમયથી દબાણો દુર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. નગરમાં દરરોજ આવતી એસ.ટી.બસોને કારણે મુખ્ય ચોક વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાય છે. બસોના ભારે વળાંકો તેમજ સંકુચિત માર્ગને પગલે નગરજનો મુશ્કેલી અનુભવે છે. તેથી નગરજનો એસ.ટી.બસોને નગરના મઘ્ય વિસ્તારમાંથી વન-વે રૂટ દ્વારા પસાર કરવાની વ્યવસ્થા અમલમાં મુકવા તંત્રને માંગ કરી રહ્યા છે. કવાંટમાંથી પસાર થતી એસ.ટી.બસોની અવર જવર વધતા મુખ્ય માર્ગ પર સતત ટ્રાફિક જામ રહે છે.નગરના વ્યસ્ત વિસ્તારોમાં બજાર સમય દરમિયાન વાહનોની અત્યંતઅવર જવર થતાં અકસ્માતોની શકયતાઓથી નગરજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ઘ્યાને રાખીને કવાંટ ગ્રામ પંચાયતના અધિકારીઓ તેમજ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ કવાંટ મામલતદાર, ટી.ડી.ઓ. દ્વારા નગરના મુખ્ય રસ્તા પરના દબાણો હટાવ્યા હતા.તેમજ એસ.ટી.તંત્રના સંબંધિત તંત્રને રજુઆત કરી છે કે, કવાંટમાં એસ.ટી.બસ માટે વન-વે વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે. જેથી અવરજવર સંયોજિત બની રહે. તથા માર્ગ પરથી ટ્રાફિકમાંથી રાહત મળે.