છોટાઉદેપુરના હાંડોદ પાણી પુરવઠા યોજનાની વિધાનસભા સમિતિએ મુલાકાત લઈ આદિવાસી વિસ્તારમાં પાણી પુરવઠાની સમીક્ષા કરાઈ

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના સભ્યોએ છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકામાં આવેલી હાંડોદ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી. સમિતિએ અધિકારીઓ સાથે પાણી પુરવઠાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.

આ અભ્યાસ પ્રવાસ 26મી થી 29મી નવેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના અનુસૂચિત જનજાતિ જીલ્લાઓમાં આયોજીત કરાયો હતો. આ પ્રવાસનો પ્રારંભ અંબાજીથી થયો હતો. મુલાકાત દરમિયાન, સમિતિએ આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવાની કામગીરી, છૂટાછવાયા ઘરો માટે પાણીની વ્યવસ્થા અને વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવા અંગે ચર્ચા કરી હતી. આદિવાસી વિસ્તારની જૂથ યોજનાઓ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

હાંડોદ મુખ્ય હેડવર્કસની મુલાકાત વેળાએ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું હતું કે, સંખેડા નર્મદા શાખા નહેર આધારિત નર્મદાનું પાણી અહીં શુદ્ધ કરવામાં આવે છે. શુદ્ધિકરણ બાદ ક્લોરિનેશનયુક્ત પાણી બોડેલી અને પાવીજેતપુર તાલુકાના 33 ગામો, 8 પરા અને 1નર્મદા વસાહતને પૂરૂં પાડવામાં આવે છે, જેનાથી લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે છે.

આ મુલાકાત દરમિયાન સમિતિના પ્રમુખ અભેસિંહ તડવી ઉપરાંત સભ્યો અને ધારાસભ્યો કાંતિભાઈ ખરાડી, કનૈયાલાલ કિશોરી, મોહનભાઈ કોંકણી, રાજેન્દ્રસિંહ રાઠવા, ગુજરાત વિધાનસભા સચિવાલયના ઉપસચિવ પાર્થ પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.