
સંખેડા તાલુકાના પંચેશ્ર્વરથી રતનપુર રોડ ઉપર ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો દોડતી હોવા છતાં ખાણ ખનીજ ખાતા દ્વારા સતત અને નિયમિત કામગીરીનો અભાવ છે. જેને કારણે સરકારની તિજોરીને લાખ્ખો-કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.
સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતી બાંધકામ માટે જાણીતી હોવાને કારણે આ વિસ્તારમાં રેતીની અનેક લીઝો ધમધમે છે. આવી લીઝોમાંથી પણ ટ્રકોની કેપેસિટી કરતા વધારે રેતી ભરાતી હોવાની ફરિયાદો પણ ઘણી વખત ઉભી થાય છે.રેતીની લીઝ સિવાયના વિસ્તારમાં પણ બેફામ રેતી ખનન ચાલી રહ્યું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.પરંતુ તેમ છતાંય ખાણ ખનીજ ખાતા દ્વારા સતત અને નિયમિત કાર્યવાહીનો અભાવ સંખેડા તાલુકામાં જોવા મળી રહ્યો છે.
શનિવારે સવારે આશરે 11:30 વાગે ઓવરલોડ રેતી જેની ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી પણ ઢાંકવામાં આવી નહોતી.આવી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક બિન્દાસ નીકળી હતી. હાંડોદ ચોકડી થઈ અને આ ટ્રક ગુંડીચા ચોકડી તરફ આગળ ગઈ હતી. ઓવરલોડ રેતી ભરેલી હોવા છતાં આવી ટ્રકોને પકડવામાં ખાણ ખનીજ ખાતું વામણું પુરૂવાર થઈ રહ્યું હોવાની ચર્ચાઓ ઊભી થઈ છે.
ચેકપોસ્ટના અભાવે ઓવરલોડ ટ્રકો બિન્દાસ પસાર થાય છે સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે ખાણ ખનીજ ખાતાની ચેકપોસ્ટ આવેલી છે. આ ચેક પોસ્ટ પાસે રોયલ્ટી પાસ ચેક કરાતી હોય છે. આ રસ્તાને બદલે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો તેમજ રોયલ્ટી પાસ વિના પણ રેતી ભરેલી ટ્રકો મોટાભાગે રતનપુર(ક)ના રસ્તે ડભોઇ થઈને વડોદરા જતી હોવાની ચર્ચા પણ વ્યાપક બની છે.