છોટાઉદેપુર જિલ્લામાં હાલ ખેડુતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. તેવા સમયે ખાતર ન મળતા ધારાસભ્ય અને સાંસદે કૃષિ મંત્રી, અધિક મુખ્ય સચિવ અને જીએસએફસી ચેરમેનને પત્ર લખીને તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવાની માંગ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના ખેડુતોની માઠી દશા બેઠી છે. થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદને લઈને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે શિયાળુ પાક માટે યુરિયા ખાતર ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ ખેડુતો યુરિયા ખાતરની બે થેલી માટે અડધી રાતથી લાઈન લગાવવા મજબુર બન્યા છે. જેને લઈને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ જીએસએફસીના ચેરમેન એમ.કે.દાસને પત્ર લખ્યો છે. જયારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને તથા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યા અનુસાર હાલ જિલ્લામાં ખાતરનો જથ્થો પ્રમાણમાં ઓછો છે. જેને લઈને ખેડુતોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાતરથી તંગી પડવાથી જરૂરી પોષક તત્વો સમયસર પુરા કરી શકાતા નથી. જેની સીધી અસર પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર પડી રહી છે. ખાતરમાં લઈને ખેડુતોમાં ભારે અસંતોષ અને આતુરતા જોવા મળી રહી છે. ઉપરાંત જિલ્લાની માંગણી પ્રમાણેનો જથ્થો મળતો નથી.