જીલ્લાના બોડેલી તાલુકાના વાઘવા ગામે ભારજ નદીના કિનારે આવેલા ઐતિહાસિક વાઘેશ્ર્વરી માતાના મંદિરનો શણગાર આખરે પરત મળતાં ગ્રામજનો અને મંદિરના આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વર્ષ ૧૯૪૨માં છોટાઉદેપુર સ્ટેટના મહારાજા દ્વારા સ્થાપિત આ પ્રાચીન મંદિરના માતાજીના ઘરેણાં સ્ટેટ સમયથી વહીવટી વ્યવસ્થા હેઠળ મામલતદાર હસ્તક રાખવામાં આવતા હતા. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી શણગાર પરત મેળવવા માટે અનેક પ્રયાસો કરવા છતાં પેટીની ચાવી ખોવાઈ જવા સહિતની વહીવટી મુશ્કેલીઓને કારણે ઘરેણાં મળી શક્યા નહોતા.
માતાજીના શણગાર વિના ધાર્મિક પરંપરા જાળવવામાં મુશ્કેલી અનુભવતા ગ્રામજનો અને આયોજકો માટે આ મુદ્દો લાંબા સમયથી ચિંતાનો વિષય બન્યો હતો. પાવી વિસ્તારની વહીવટી પ્રક્રિયાઓને કારણે પણ શણગાર મેળવવાની કામગીરી મુશ્કેલ બની હતી.
અનેક પ્રયાસો છતાં ઉકેલ ન આવતાં શણગાર ક્યારે પરત મળશે તે અંગે અનિશ્ચિતતા હતી. આખરે બોડેલી મામલતદાર અંજના કોટવાલે આ મામલે અથાક પ્રયાસો હાથ ધર્યા હતા.
તેમના પ્રયત્નોના પરિણામે ચાલુ વર્ષે આઠમના મેળા દરમિયાન સાંજે ૭:૩૦ વાગ્યે માતાજીના ઘરેણાં ટ્રેઝરી મારફતે મંદિરના આયોજકોને સોંપવામાં આવ્યા હતા. વર્ષોથી અટવાયેલી કામગીરીનો ઉકેલ આવતાં ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો.
મામલતદારના પ્રયાસોથી ઘરેણાં મળ્યા છે, વાઘેશ્ર્વરી માતાના મંદિરનો શણગાર સ્ટેટ સમયથી મામલતદારના વહીવટી હસ્તક રાખવામાં આવતો હતો. છેલ્લા બે-ત્રણ વર્ષથી શણગાર પરત મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવતા હતા.
પરંતુ પેટીની ચાવી ખોવાઈ જવા સહિતનાં કારણોસર ઘરેણાં મળી શક્યાં નહોતાં. આખરે બોડેલી મામલતદાર અંજના કોટવાલના પ્રયાસોથી આઠમના મેળા દરમિયાન ઘરેણાં ટ્રેઝરી મારફતે સુપ્રત કરવામાં આવતાં ગામલોકોમાં ભારે આનંદ છવાયો હતો. ભારત રાઠવા, સરપંચ, વાઘવા ગ્રામ પંચાયત