હાલોલના ગોપીપુરામાં ચૈતર વસાવાની જેલમુક્તિ માટે મહાઆરતી કરાઈ

પંચમહાલના હાલોલના ગોપીપુરામાં નવમી નવરાત્રીએ માં મહાકાળી માતાજીની મહાઆરતી યોજાઈ હતી. ગોપીપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સહયોગથી આયોજીત આ આરતીમાં ૨૧ હજાર દીવડાં પ્રગટાવવામાં આવ્યા હતા.

આ આરતી ચૈતર વસાવાને જામીન મળે અને તેઓ જેલમુક્ત થાય તે હેતુથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૨૫ હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો.

આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ, ક્ષત્રિય બારીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને સર્વ સમાજના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. ભક્તોએ માતાજીના દર્શન કરી ચૈતર વસાવાની મુક્તિ માટે પ્રાર્થના કરી.

ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવી, યુવા અધ્યક્ષ બ્રીજરાજ સોલંકી, મંત્રી નિરંજન વસાવા, પંચમહાલ જીલ્લા પ્રમુખ પ્રવીણ રાઠવા, છોટાઉદેપુર પ્રભારી વિનુ રાઠવા અને સામાજીક આગેવાન ડો. જયરામ રાઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન સર્વ સમાજની એકતાનું પ્રતીક બન્યું હતું.