લુણાવાડા શહેરના ઇન્દિરા મેદાન ખાતે ગરબા રમવા ગયેલી મહિલાઓની છેડતી કરી તેના પતિ સાથે મારપીટ કરવા અને સમાચાર પત્રમાં ખોટા સમાચાર છાપી બદનામ કરવાની ધમકી આપવા બદલ લુણાવાડા ટાઉન પોલીસ મથકે ૫ સામે ગુનો નોંધાવવા પામ્યો છે. પોલીસે ચારની અટકાયત કરી છે.
લુણાવાડાના મહિસાગર ગરબા મહોત્સવ ઈન્દિરા (આઝાદ)મેદાન ખાતે મહિલા તેના પતિ સાથે ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ગેટ પાસે ઉભેલા નવા મુવાડાના પિંકેશ વાડીલાલ પટેલે મહિલાનો દુપટ્ટો અને હાથ પકડી ખેંચતાણ કરી હતી. સાથે જ તેણે મહિલાને કહ્યુ કે, તુ મારી જોડે આવતી રહે, નહિ તો તારા પતિ વિરુદ્ધ સમાચાર પત્રમાં ખોટા સમાચાર છાપીને બદનામ કરી દઈશ…મહિલાના પતિએ વિરોધ કરી હાથ છોડાવવા જતાં પિંકેશ પટેલ તથા તેની સાથેના ત્રણ મિત્રો દક્ષેશકુમાર પ્રતાપભાઈ પટેલિયા, જયકુમાર પ્રતાપભાઈ પટેલિયા અને દિવ્યરાજ સુરેશભાઈ પટેલિયા(તમામ રહે.નવા મુવાડા)ઉશ્કેરાઈ ગયા હતા. અને અપશબ્દો બોલી મહિલાના પતિને ગદડાપાટુનો માર માર્યો હતો. આ સમયે આસપાસથી લોકો એકઠા થઈ જતાં વધુ મારથી બચાવ્યા હતા. દરમિયાન મહિલા પોતાના પતિ સાથે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જઈ રહી હતી. ત્યારે પિંકેશના મિત્ર જીગરભાઈ જશુભાઈ પટેલ (રહે.રતનકુવા, વિરપુર)નાઓએ મોબાઈલ ફોન પર ધમકી આપી હતી કે, અમારી પાસે લુંટાવવા માટે કશુ નથી, પણ તમારી પાસે ધણુ બધુ છે, ફરિયાદ કરશો તો છાપામાં છાપી બદનામ કરી દઈશુ…તેવી ધમકી આપી હતી. આ અંગે મહિલાની ફરિયાદના આધારે લુણાવાડા પોલીસે પાંચેય સામે ગુનો નોંધી ૪ ની અટકાયત કરી જયુડિશીલય કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.