
યંત્ર કામાખ્યા થીમ પર આકર્ષક ફૂલોની રંગોળી.
કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે વિજયાદશમી ના મહાપર્વ નિમિત્તે પરંપરાગત અને આસ્થાના પ્રતિક સમાન ‘માટલી ગરબા’નો મહોત્સવ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. દશેરાની આ રઢીયાળી રાત્રે આખા ગામે એક જ કુંડાળે ભેગા થઈને અનેક માટલીગરબા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દશેરાના આ પવિત્ર અવસરે ગામમાં વિશેષ આકર્ષણપે ‘યંત્ર કામાખ્યા’ થીમ પર ફૂલોની સુંદર અને ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ડેરોલગામમાં નવરાત્રીની નવ રાત સામાન્ય ગરબા રમાય છે, પરંતુ દશેરાની રાત્રે માટલીગરબા રમવાનું વિશેષ અનેરૂ મહત્વ છે. ગામના લોકો પોતાના પરિવારમાં આવતા શુભ કે સામાજીક પ્રસંગો નિર્વિઘ્ને પાર પડે તે માટે માતાજી સમક્ષ માનતા રાખતા હોય છે. પોતાની શ્રદ્ધા અનુસાર ગ્રામજનો ૫,૭,૧૧,૨૧,૫૧ કે ૧૦૧ માટલીગરબા ચઢાવવાની માનતા રાખે છે.

આ આસ્થા મુજબ, દશેરાની સાંજે છિદ્રોવાળી માટલીઓને ફૂલોના હારથી સુશોભિત કરવામાં આવે છે. ત્યારબાદ માટલીમાં વિવિધ ધાન્યો ભરી, દીપ પ્રગટાવી અને ઉપર કળશ મૂકીને તેને તૈયાર કરવામાં આવે છે. આ શ્રદ્ધાસભર માટલીગરબાઓને શિર પર ધારણ કરી ગામના ભાઈઓ, બહેનો અને યુવાધન પરંપરાગત પોશાકમાં ઝાંપે આવેલા માતાજીના મંદિરના ચોકમાં પહોંચ્યા હતા. માતાજીના ચોકમાં સમસ્તગ્રામે એકત્ર થઈને સંગીતના તાલે પરંપરાગત માટલીગરબા રમ્યા હતા. માટલીઓ પર પ્રગટ થતા દીવાઓના ઝગમગાટ અને યુવાધનના સોળે શણગારેલા ઉત્સાહથી આખી રાત રઢીયાળી બની રહી હતી. ડેરોલગામની આ અદ્ભુત પરંપરાના દર્શન અને લ્હાવો લેવા માટે ડેરોલગામ ઉપરાંત આસપાસના અનેક ગામો માંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.