દાહોદના ગરીબ પરિવારને હૃદયની બે સફળ સર્જરીમાં મળી નિ:શુલ્ક સારવાર, પરિવારને આર્થિક બોજમાંથી મળી રાહત.
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના પાતા ફળિયામાં રહેતા વનિતાબેન સતિષભાઈ બારીયા માટે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જીવનમાં આશાનું નવું કિરણ બની છે. હૃદયની ગંભીર બીમારીના કારણે વર્ષના અંતરે બે વખત સર્જરી કરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ આયુષ્માન કાર્ડના સહારે બંને વખત નિ:શુલ્ક સારવાર મળતાં વનિતાબેન સ્વસ્થ જીવન તરફ પરત ફરી શક્યાં છે.
વનિતાબેનને અવાર નવાર છાતીમાં દુખાવો, ચક્કર આવવા અને ગભરામણ જેવી તકલીફો થતી હતી. શરૂ આતમાં તેમણે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. ત્યારબાદ તકલીફ વધતાં તેમને દાહોદની રિધમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે, ટેકનિકલ કારણોસર ત્યાં આયુષ્માન કાર્ડની મંજૂરી ન મળતાં તેમને વધુ સારવાર માટે વડોદરાની રિધમ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં.
વડોદરા ખાતે તબીબી તપાસ અને રિપોર્ટમાં હૃદયની એક નસ બ્લોક હોવાનું જણાતાં તાત્કાલિક સર્જરી કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ તેમની સફળતાપૂર્વક સર્જરી કરીને હૃદયની નસમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. ચાર દિવસની સારવાર બાદ વનિતાબેન સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં હતાં.
જોકે, લગભગ એક વર્ષ બાદ વનિતાબેનને ફરીથી છાતીમાં દુખાવાની તકલીફ થતાં તેઓ દાહોદની રિધમ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યાં હતાં. તપાસ દરમિયાન હૃદયની બીજી નસ પણ બ્લોક હોવાનું જાણવા મળ્યું હતું. આથી દાહોદની રિધમ હોસ્પિટલમાં તેમની બીજી સફળ સર્જરી કરવામાં આવી અને બીજી નસમાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. આ સારવાર પણ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ નિ:શુલ્ક ઉપલબ્ધ થઈ હતી.
આજે વનિતાબેન સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઘરના રોજિંદા કામકાજ પણ સરળતાથી કરી રહ્યાં છે. ગંભીર બીમારી અને વારંવારની સારવાર વચ્ચે તેમના પરિવારને આર્થિક ચિંતામાંથી મોટી રાહત મળી છે.
આ અંગે વનિતાબેનના પતિ સતિષભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, વર્ષના અંતરે બે વખત સ્ટેન્ટ મૂકાવવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જો અમારી પાસે આયુષ્માન કાર્ડ ન હોત, તો આટલો મોટો સારવાર ખર્ચ ઉઠાવવો અમારા માટે ખૂબ મુશ્કેલ બન્યો હોત. વડોદરા અને દાહોદમાં થયેલી બંને સર્જરી તથા સારવાર માટે અમારે એક પણ રૂપિયો ચૂકવવો પડ્યો નથી. મુશ્કેલ સમયમાં આયુષ્માન કાર્ડ અમારા પરિવાર માટે વરદાન સાબિત થયું છે.