
ગઈકાલે સાંજે વડગામ તાલુકાના છાપી ખાતે આવેલી વસંત ફેબ્રિકેટ્સ ઇન્ડસ્ટ્રીમાં એક યુવકનું ટેન્કર બ્લાસ્ટ થતા મોત નીપજ્યું હતું. આ ઘટના ઇન્ડસ્ટ્રીના ટેસ્ટિંગ એરિયામાં બની હતી, જ્યાં હવાના પ્રેશરને કારણે ટેન્કનું ઢાંકણું ઉછળીને યુવકને વાગતા તે ફંગોળાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં યુવકનો ડાબો પગ શરીરથી અલગ થઈ ગયો હતો. જ્યારે શરીર અંદાજે 50 ફૂટ હવામાં ઉછડ્યું હતું. જેના આજે CCTV સામે આવ્યા છે.
યુવકનું ઘટનાસ્થળે જ મોત પ્રાથમિક માહિતી અનુસાર, વીર ઇન્ટરનેશનલ ટેક્સ એન્ડ કન્ટેનર્સ પ્રા. લિ.ના એરિયામાં ISO ટેન્કર પર એક યુવક બોલ્ટ ફીટ કરી રહ્યો હતો. તે સમયે ટેન્કરની અંદરના હવાના પ્રચંડ દબાણને કારણે તેનું વચ્ચેનું ઢાંકણું અચાનક નીકળી ગયું હતું. ઢાંકણું સીધું યુવકને વાગ્યું હતું અને હવાના પ્રેશરથી તે ઊંચે ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા છાપી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.