કચ્છના અંજારમાં સંબંધોને લાંછન લગાવતી ગંભીર ઘટના સામે આવી છે. બોયફ્રેન્ડ સાથે વાત કરવા મુદ્દે સગીર દીકરીને તેના જ માતા-પિતાએ ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી આ દરમિયાન પિતાએ માતાની મદદથી સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
અંજારમાં સગીર દીકરી સાથે બનેલી આ ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, સગીર દીકરી તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોવાના મુદ્દે સગીરાને સતત ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. આ દરમિયાન પિતાએ માતાની મદદથી સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને માતાએ તેના ગંદા ફોટા પણ પાડ્યાં હતા.ઘટનાથી આઘાત પામેલી સગીર દીકરીએ સમગ્ર મામલે અંજાર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સમગ્ર મામલે અંજાર પોલીસે આરોપી માતા અને પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ જણાવ્યું હતું કે છોકરીએ બે-ત્રણ દિવસ પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો પરંતુ પોલીસ વાહન સ્થળ પર પહોંચે તે પહેલાં જ પિતાએ ફોન બંધ કરી દીધો હતો, જેના કારણે પોલીસ માટે પરિવારને શોધવામાં મુશ્કેલી પડી હતી. શુક્રવારે, છોકરીએ ફરીથી ફોન મેળવવામાં સફળતા મેળવી અને ૧૧૨ પર ફોન કર્યો. તેણે પોલીસને જણાવ્યું કે તેનું જાતીય શોષણ થઈ રહ્યું છે.