
શિનોર તાલુકાના છાણભોઈ ગામમાં આજે સવારે તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય મનીષા વસાવાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી મહિલા સાથે રહેતા સતીષ વસાવાએ જ હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો છે. હત્યા પ્રેમપ્રકરણ કે અન્ય કોઈ કારણસર થઈ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, છાણભોઈ ગામના નવીનગરી વિસ્તારમાં આજે સવારે એક મહિલાની હત્યા થઈ હોવાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનીષા કિરણભાઈ વસાવા ને તીક્ષ્ણ હથિયારના ઘા મારાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મનીષા વસાવાના પતિનું દસ વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે, જ્યારે પુત્ર સોહમ મામાના ઘરે રહે છે. પતિના અવસાન બાદ મનીષા છેલ્લા બે વર્ષથી ગામના જ સતીષ નટવર વસાવા સાથે રહેતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું કે સવારે મનીષા વસાવા મંદિરેથી પરત ફર્યાં, ત્યાર બાદ તેમની હત્યા કરી સતીષ ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતકના પુત્ર સોહમની ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર સતીષને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોતે પણ છૂટાછેડા લીધેલા છે.મનીષા વસાવાએ અગાઉ આશા વર્કર તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ તેઓ શિનોર તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયાં હતાં અને સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. પોલીસે જણાવ્યું છે કે પ્રેમપ્રકરણ અથવા અન્ય કોઈ કારણસર હત્યા થઈ, તે અંગે તપાસ ચાલી રહી છે.હત્યાનું સાચું કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.