
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ૧ ઓક્ટોબરે તેનું ગેઝેટ પ્રકાશન થયું છે. આ સમાચાર બાદ લગ્ન નોંધણી અને મેરેજ સર્ટિફિકેટને લઈને લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદ સહિત અનેક સ્થળોએ લગ્ન નોંધણી કરાવવા માટે અરજીઓમાં વધારો જાવા મળ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
નવા કાયદામાં લગ્નની નોંધણીને મહત્વ આપવામાં આવ્યું છે. કાયદા મુજબ, યુસીસી અમલમાં આવ્યા બાદ થયેલા લગ્ન માટે નોંધણીનું મેમોરેન્ડમ ૬૦ દિવસની અંદર રજૂ કરવાની જોગવાઈ છે. જાણીને નોંધણી ન કરાવવાના કિસ્સામાં ૧૦,૦૦૦ સુધીની પેનલ્ટીની જોગવાઈ છે. ત્યારબાદ નોટિસ છતાં પાલન ન થાય તો વધુ કાર્યવાહી અને દંડની જાગવાઈ પણ છે.અહીં એક મહત્વની બાબત એ છે કે યુસીસીનું ગેઝેટ પ્રકાશિત થઈ ગયું હોવા છતાં કાયદો કઈ તારીખથી સંપૂર્ણપણે અમલમાં આવશે તે રાજ્ય સરકાર દ્વારા નક્કી થવાનું છે. એટલે હાલ લગ્ન થયાને વર્ષો વીતી ગયેલા તમામ લોકોને ૬૦ દિવસની સમયમર્યાદા લાગુ પડી ગઈ છે એવું માનવું યોગ્ય નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧ ઓગસ્ટ ૨૦૨૬થી લગ્ન નોંધણીની પ્રક્રિયાને ઓનલાઈન અને પેપરલેસ બનાવી છે. હવે નાગરિકો ઘરે બેઠા અરજી કરી દસ્તાવેજા અપલોડ કરી શકે છે.આ ડિજિટલ વ્યવસ્થા વચ્ચે યુસીસીની જાહેરાત બાદ મેરેજ સર્ટિફિકેટ માટે અરજીઓમાં અચાનક વધારો થયો હોવાના અહેવાલો છે. સામાન્ય દિવસોમાં દૈનિક ૧૫૦થી ૨૦૦ જેટલી અરજીઓ સામે હવે ૭૦૦થી વધુ અરજીઓ નોંધાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે ઓનલાઈન અરજીનો પ્રવાહ અનેક ગણો વધ્યો હોવાનું કહેવાય છે.ઓનલાઈન અરજીની સંખ્યા વધતા માત્ર પોર્ટલ પર ફોર્મ ભરવાથી પ્રક્રિયા પૂર્ણ થતી નથી. જરૂરી દસ્તાવેજાની ચકાસણી અને આગળની પ્રક્રિયા માટે ઉપલબ્ધ એપોઈન્ટમેન્ટ સ્લોટ મહત્વના બની જાય છે.અરજીઓ વધતા અગાઉ થોડા દિવસમાં મળતા સ્લોટ માટે હવે વધુ રાહ જાવી પડી રહી હોવાના અહેવાલો છે. પરિણામે લોકો પોતાના લગ્નના દસ્તાવેજા તૈયાર કરાવીને વહેલી તકે નોંધણી પૂર્ણ કરવાની દોડમાં જોડાયા છે.
લગ્નનું પ્રમાણપત્ર માત્ર લગ્નની નોંધનો પુરાવો નથી, પરંતુ અનેક સરકારી અને નાણાકીય પ્રક્રિયામાં તે ઉપયોગી દસ્તાવેજ બની શકે છે. પાસપોર્ટમાં જીવનસાથીની વિગતો બદલવી, કેટલીક બેંકિંગ પ્રક્રિયા, વીમા સંબંધિત દાવા, વારસાઈના દસ્તાવેજા અને અન્ય સત્તાવાર રેકોર્ડમાં તેનો ઉપયોગ થઈ શકે છે.યુસીસીના કારણે લગ્ન નોંધણી અંગે લોકોમાં જાગૃતિ વધતા વર્ષો પહેલાં લગ્ન કરી ચૂકેલા દંપતી પણ પોતાના લગ્નની નોંધણી કરાવવાનું પસંદ કરી રહ્યા છે. જોકે, જૂના લગ્ન માટે કઈ પ્રક્રિયા લાગુ પડશે તે અંગે રાજ્ય સરકારના અંતિમ નિયમો અને અમલીકરણની વિગતો મહત્વની રહેશે.યુસીસીમાં અગાઉ થયેલા કેટલાક લગ્નોની નોંધણી/માન્યતા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આથી હાલ ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટમાટે વધેલી દોડધામનું એક કારણે યુસીસી અંગે લોકોમાં વધેલી ચિંતા અને જાગૃતિ હોવાનું માનવામાં આવે છે.