
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને મળેલા એક અનામી પત્ર બાદ સુરેન્દ્રનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચર્ચિત ‘ક્લબ ૭૧ જીમ’માં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન અંદાજે ૧૦૦ યુવતીઓ સાથે જોડાયેલા ૧૩૦૦થી વધુ વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવ્યા છે. સમગ્ર મામલામાં જીમના માલિક આમીન યાસીન મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલા પત્રમાં મહિલાઓ સાથે સંકળાયેલા ગંભીર આક્ષેપોની તપાસ કરવાની અપીલ કરવામાં આવી હતી. પત્ર મળ્યા બાદ પોલીસે ઝડપથી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, માત્ર ૧૫ કલાકમાં પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરેન્દ્રનગરના એએસપી વેદિકા બિહાનીની ટીમે ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી. પોલીસકર્મીઓ ગ્રાહકના વેશમાં જીમમાં પહોંચ્યા હતા. ટીમે ટી-શર્ટ અને બર્મુડા પહેરીને જીમમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ આરોપી આમીન મુલતાનીને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન ડિજિટલ ઉપકરણો સહિત અન્ય સામગ્રી કબજે કરી હોવાનું સામે આવ્યું છે. હવે આ ડિજિટલ પુરાવાઓની તપાસના આધારે સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
પોલીસના જણાવ્યા મુજબ, જીમની ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટ યુવતીએ આમીન મુલતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં માનસિક ત્રાસ આપવા, પ્રેમસંબંધ માટે દબાણ કરવા અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ ફરિયાદ અને પોલીસ તપાસના આધારે આમીન મુલતાનીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ તપાસમાં આમીન મુલતાનીએ બી એસસી આઇટી અને વકીલાતનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસનો દાવો છે કે ટેક્નોલોજી અને કાયદાની જાણકારીનો ઉપયોગ કરીને તે ડિજિટલ સામગ્રી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ ચલાવતો હતો.પોલીસને શંકા છે કે કેટલાક કિસ્સામાં અન્ય લોકોના મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. આ બાબતે ડિજિટલ તપાસ ચાલી રહી છે.દાન સ્વીકારો
પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન આશરે ૧૦૦ યુવતીઓ સાથે સંબંધિત ૧૩૦૦થી વધુ વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવ્યા છે. આ સામગ્રી કેવી રીતે મેળવવામાં આવી, કોના મોબાઈલ અથવા ઉપકરણમાંથી આવી અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ હવે આ ડિજિટલ સામગ્રીના આધારે સંભવિત પીડિત મહિલાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કોઈની જાણ બહાર તેના ફોટા કે વીડિયો બનાવવામાં આવ્યા હોય અથવા તેનો ઉપયોગ કરીને દબાણ કે બ્લેકમેઇલિંગ કરવામાં આવ્યું હોય તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
દરોડા દરમિયાન પોલીસને ૧૭ ચેક, આધારકાર્ડ, નોટરી કરારો અને ચોપડાઓ પણ મળી આવ્યા હોવાનું જણાવાયું છે. આ સામગ્રીના આધારે પોલીસ હવે આમીન મુલતાનીની નાણાકીય પ્રવૃત્તિઓની પણ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે તે ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો વ્યવસાય ચલાવતો હોઈ શકે છે. અગાઉ તેની પાસે નાણાં ધીરધારનું લાઇસન્સ હતું કે નહીં અને ચોપડામાં નોંધાયેલા લોકો સાથે કોઈ ગેરકાયદેસર વ્યવહાર થયો છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.