દારૂબંધી છતાં મધ્યપ્રદેશથી ધમધમે છે દારૂનું નેટવર્ક, ગુજરાત તરફ દારૂ ભરેલી ટ્રક રોકવા જતાં પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત

ગુજરાતમાં લાગુ દારૂબંધીનો કાયદો મધ્યપ્રદેશને ફળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત તરફ દારૂનો જથ્થો લઈ જતી હોવાની શંકાસ્પદ ટ્રક રોકવા જતાં મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત થતાં આંતરરાજ્ય દારૂની હેરાફેરીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.આ ઘટના ૨ અને ૩ નવેમ્બરની મધરાતની છે. દેવાસ જિલ્લાના ખાતેગાંવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર દિલીપ પુરીને ગુજરાત તરફ દારૂ ભરેલી ટ્રક જવાની બાતમી મળી હતી. પોલીસ ટીમે એક ઢાબા પાસે ટ્રકને રોકી તપાસ માટે ડ્રાઈવરને નીચે ઊતરવા કહ્યું હતું. જાકે, ડ્રાઈવરે ટ્રક ભગાવવાનો પ્રયાસ કરતાં બાજુમાં ઊભેલા ઈન્સ્પેક્ટર પુરી પાછળનાં પૈડાં નીચે કચડાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્રાવને કારણે ૩ નવેમ્બરે સવારે તેમનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકચાલક અજ્જુ ઉર્ફે ગજેન્દ્ર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને આશરે પાંચ કિલોમીટર દૂર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. તપાસમાં દારૂનો જથ્થો હરદા જિલ્લાના ટિમરણીની એક દુકાનમાંથી ભરાયો હોવાનું બહાર આવ્યું હતું.

આ કેસમાં પોલીસે દારૂની દુકાનના ભાગીદાર રાહુલ જયસ્વાલની ઈન્દોર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે અન્ય ત્રણ ભાગીદારોનાં નામ આપ્યાં હતાં, જેમાં અમદાવાદના મોહિન જયસ્વાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બરવાનીના પતેન્દ્ર જયસ્વાલ અને ઈન્દોરના મનીષ જયસ્વાલનાં નામ પણ સામે આવ્યાં છે. ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના આરોપસર વિજય રાવ અને દારૂના જથ્થાની હેરફેરની વ્યવસ્થા કરવાના આરોપસર કેરમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે ઝાબુઆ તથા અલીરાજપુર જિલ્લાની લાંબી સરહદ છે. સરહદી વિસ્તારોમાં આવેલી મધ્યપ્રદેશની દારૂની દુકાનોમાંથી ગુજરાતમાં ગેરકાયદે દારૂ પહોંચાડાતો હોવાની વાત નવી નથી. અહેવાલ મુજબ, મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓની આબકારી આવક સમાન વસ્તી ધરાવતા અન્ય જિલ્લાઓની સરખામણીએ ઘણી વધારે છે. એટલે એક તરફ મધ્યપ્રદેશ સરકારને દારૂના વેચાણમાંથી આવક મળે છે, તો બીજી તરફ એ જ દારૂનો કેટલોક જથ્થો ગુજરાતમાં દાણચોરીથી પહોંચતો હોવાની સ્થિતિ ઊભી થાય છે.

ઉલ્લેખનીય છે કે દેવાસ જિલ્લામાં થોડા જ અઠવાડિયાં પહેલાં બે ગામોમાં ગેરકાયદે દારૂના કારણે ૧૦ લોકોનાં મોત થયાં હતાં. એ ઘટના બાદ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવી હતી. હવે પોલીસ ઈન્સ્પેક્ટરના મોતે દારૂના ગેરકાયદે વેપાર અને આંતરરાજ્ય સપ્લાય નેટવર્ક સામે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. મધ્યપ્રદેશ સરકારે મૃતક ઈન્સ્પેક્ટરનાં પત્નીને કહેમરાહે સરકારી નોકરી અને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.