
શહેરને આગામી ઉનાળામાં પીવાના પાણીની સંભવિત અછતમાંથી રાહત આપવા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. બીજા તબક્કા હેઠળ બંને જળાશયોમાં દરરોજ કુલ ૩૫ એમસીએફટી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. બંને ડેમને તેમની પૂર્ણ સંગ્રહ ક્ષમતા સુધી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદાના નીરના આગમનને રાજ્યના પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આવકાર્યું હતું.
રાજકોટ શહેરની વધતી જતી વસ્તી અને પીવાના પાણીની સતત વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના મારફત આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં કુલ ૪૦૦૦ એમસીએફટી પાણી ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીના અનુસંધાને હાલ બીજા તબક્કામાં પાણીની આવક શરૂ થઈ છે. જેમાં આજી-૧ ડેમમાં દરરોજ ૨૦ એમસીએફટી અને ન્યારી-૧ ડેમમાં ૧૫ એમસીએફટી પાણી મળી રહ્યું છે. આમ, બંને ડેમમાં દરરોજ ૩૫ એમસીએફટી નર્મદાના નીરની આવક થઈ રહી છે. મહત્વની બાબત એ છે કે, હાલમાં બંને ડેમમાં જળસંગ્રહની સ્થિતિ હજુ પૂર્ણ ક્ષમતાથી નોંધપાત્ર ઓછી છે. આજી-૧ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૯૧૮ એમસીએફટી સામે હાલ ૪૩૫ એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી-૧ ડેમની ૧૨૪૮ સ્ઝ્રહ્લ્ની ક્ષમતા સામે હાલ ૩૬૫ એમસીએફટી પાણીનો જથ્થો છે.
આજી-૧ ડેમનું હાલનું જળસ્તર ૨૦.૫૭ ફૂટ અને ન્યારી-૧નું ૧૪.૨૭ ફૂટ નોંધાયું છે. બંને ડેમમાં નર્મદાના નીરની સતત આવકથી જળસંગ્રહમાં વધારો થશે અને આગામી ઉનાળાની પાણીની જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ મળશે. મેયર ડા.નેહલ શુક્લ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના નાગરિકોને વર્ષભર પૂરતું પીવાનું પાણી મળી રહે અને ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા પર દબાણ ન સર્જાય તે માટે જળસ્રોતોને મજબૂત બનાવવાની દિશામાં આ આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે. તો સાથે જ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, બગાડ અટકાવવા અને જળસંરક્ષણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.