ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોએ સંભાળ્યો પદભાર, વિકાસને નવી ગતિ આપવાનો સંકલ્પ

ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી બાદ આજે તમામ નવનિયુક્ત પદાધિકારીઓએ વિધિવત્ રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા કાઉન્સીલરો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોએ પાટનગરના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાની સાથે પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પટેલે પદભાર સંભાળ્યો હતો. તેમણે ગાંધીનગરના વિકાસને રોકેટ ગતિએ આગળ વધારવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શહેરમાં માળખાગત સુવિધાઓનું વિસ્તરણ, નાગરિકોને વધુ સારી સુવિધાઓ અને વિકાસનાં કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવાની દિશામાં કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ ઉપરાંત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે જશપાલસિંહ બિહોલા અને દંડક તરીકે સેજલબેન કનુભાઈ પરમારે પણ વિધિવત્ રીતે પોતાની નવી જવાબદારીઓ સંભાળી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ ભાજપના હાઈકમાન્ડ દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને પક્ષની વિકાસલક્ષી વિચારધારાને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો હતો.

સમારંભ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે, નવી ટીમ સામે પાટનગરમાં રસ્તા, પાણી, સફાઈ, ગટર, આરોગ્ય અને અન્ય પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની સાથે નાગરિકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવાનો પડકાર રહેશે. ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોની ટીમ ગાંધીનગરના સર્વાંગી વિકાસને કેટલી નવી દિશા અને ગતિ આપી શકે છે તેના પર હવે નગરજનોની નજર રહેશે.