સોલાર પેનલ નહીં હોય તો બીયુ પરમિશન નહીં,’ એએમસીનો નવો નિયમ !

શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં નિર્માણ પામતી નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ લગાવવી અનિવાર્ય રહેશે. પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને વેગ આપવા માટે મનપાએ આ નિયમનો કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

એએમસી દ્વારા નવા બાંધકામોને લઈને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ઇમારતોમાં સોલાર પેનલની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તેમને બિલ્ડીંગ યુઝ પરમિશન આપવામાં આવશે નહીં. એટલે કે, બાંધકામ પૂર્ણ થયા બાદ ઇમારતનો ઉપયોગ શરૂ કરવા માટે સોલાર સિસ્ટમ લગાવવી પણ જરૂરી બનશે. આ નિર્ણયથી સરકારી વિભાગો અને ધાર્મિક સંસ્થાઓએ નવી ઇમારતોના નિર્માણ દરમિયાન જ સોલાર પેનલ માટે જરૂરી આયોજન કરવું પડશે.

અમદાવાદમાં ધાર્મિક સ્થળોને સોલાર ઊર્જા સાથે જોડવાની દિશામાં પણ મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેરની આશરે ૨૦૦ ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે હજુ બાકી રહેલી અંદાજે ૧૪૫ ધાર્મિક સંસ્થાઓમાં પણ સોલાર પેનલ લગાવવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આ અભિયાનથી ધાર્મિક સંસ્થાઓના વીજળી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને થતા નુકસાનમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે.