રસ્તા ૫ર રખડતા આખલાથી અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોનાં મોત, બે ગંભીર

રસ્તા પર રખડતાં ઢોરનો આતંક માત્ર ટ્રાફિકની સમસ્યા નથી, તે માનવજીવન માટે જીવલેણ જાખમ બની ગયો છે. કોડીનાર-ઉના અને જેતપુર-જૂનાગઢ હાઈવે પર બનેલા બે અલગ-અલગ અકસ્માતોમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. બે ઘટનાઓએ ફરી એકવાર રખડતાં પશુઓ સામે સરકારી તંત્રની નિંભરતાની પોલ ખોલી નાખી છે.પ્રથમ બનાવમાં કોડીનાર તાલુકાના દેવળી ગામના ગોપાલ ગાંડાભાઈ મોરી (ઉ.વ. ૩૦) અને લલિત વાણવી રાત્રિના ૧૧ વાગ્યા બાદ બાઈક પર પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન ઓળેશ્વર વાડી નજીક અચાનક રસ્તા વચ્ચે સાંઢ આવી જતાં બાઈક ધડાકાભેર અથડાઈ હતી. બંને યુવાનો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓના કારણે ગોપાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લલિતની હાલત નાજુક બની હતી. તેઓ કોમામાં સરી પડયા હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં રાજકોટનો શક્લેન આદમાણી (ઉ.વ. ૧૮) અને તેનો ૧૬ વર્ષીય પિતરાઈ ભાઈ નવાજ એક્ટિવા પર રાજકોટથી જૂનાગઢ જઈ રહ્યા હતા. જેતલસર પાસે અચાનક આખલો આડો ઉતરતાં એક્ટિવા અથડાયું હતું. બંને ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજાઓના કારણે શક્લેનનું મોત નીપજ્યું હતું, જ્યારે નવાજને મોઢાના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. જેતપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બંને બનાવોમાં એક સામાન્ય બાબત છે કે રસ્તા પર અચાનક આવી ચડતું રખડતું પશુ અને તેને કારણે સર્જાતો જીવલેણ અકસ્માત. વાહનચાલક ગમે તેટલી સાવચેતી રાખે, પરંતુ રાત્રિના અંધકારમાં અચાનક સામે આવી જતા આખલાથી બચવું હંમેશાં શક્ય નથી. હાઈવે પર આવી સ્થિતિ વધુ જાખમી બને છે. રસ્તા પરથી રખડતાં પશુઓને દૂર કરવાની જવાબદારી જે તંત્રની છે, પણ એક તરફ માર્ગ સલામતી માટે અભિયાનો ચાલે છે, બીજી તરફ રસ્તા પર આખલાઓ બેફામ ફરીને માનવજીવન ભરખે છે.