અમેરિકા જઈ રહેલા ૩ ગુજરાતીઓ પર આફત; ઇથોપિયામાં અપહરણ કરી ૧ કરોડ માંગ્યા

વિદેશમાં સેટ થવાની ઘેલછા ક્યારેક એવી ભારે પડે છે કે જીવ જોખમાઈ જાય છે. પરંતુ આમ છતાં આ ઘેલછા દૂર થતી નથી. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા ૩ ગુજરાતીઓનું ઈથોપિયામાં અપહરણ થયું છે જેમાં ૨ યુવતીઓ અને એક યુવક સામેલ છે. ૩ દિવસથી આ લોકો અપહ્રત છે અને પરિવાર પાસે ૧ કરોડ જેટલી ખંડણી માંગવામાં આવી હોવાના પણ સમાચાર છે. આ લોકો ૨૦ સપ્ટેમ્બરે અમેરિકા જવા રવાના થયા હતા.

મહેસાણાના એજન્ટ અલ્પેશ પટેલ મારફતે આ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હતા. જેમાં મહેસાણાનો ૨૩ વર્ષનો એક યુવક ઋતવીક શૈલેષભાઈ જનસરી સામેલ છે અને બે યુવતીઓ સામેલ છે. એક યુવતીની ઓળખ મમતા ચિરાગભાઈ ચાવડા તરીકે થઈ છે જે મૂળ મહેસાણાના છે પરંતુ હાલ અમદાવાદમાં વસવાટ કરે છે.

ગેરકાયદેસર રીતે વિદેશમાં જવાનો મોહ ભારે પડતો હોવાના અનેક દાખલા સામે આવે છે પરંતુ આમ છતાં લોકો આ મોહ છોડી શકતા નથી. આ આખી વાત ત્યારે બહાર આવી જ્યારે એક યુવકનું અપહરણ થયું પરંતુ ૭૦ લાખની ખંડણી ચૂકવી દેતા છોડી દેવાયો અને આ યુવક તેમના જ ગામનો હતો. આ બધા સાથે હતા. આ યુવક ગુજરાત પાછો પણ આવી ગયો હોવાના અહેવાલ છે.

આ લોકો ૨૦મી સપ્ટેમ્બરે ગુજરાતથી જયપુર પહોંચ્યા. ત્યાંથી ફ્લાઈટમાં અબુધાબી ગયા. એ જ દિવસે ત્યાંથી ઈથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા. ત્યાં ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. અહીં તેમનું ૨૦થી ૨૯ સુધીનું બુકિંગ હતું. ઈથોપિયાના ઈ વિઝા તેમની પાસે હતા. જેમાં ૧૯ સપ્ટેમ્બરથી ૧૯ ઓક્ટોબર સુધીના આ વિઝા હતા. પરંતુ એડિસ અબાબામાં તેમનું અપહરણ થઈ ગયું.

એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ઋતવીક, મમતા અને અન્ય યુવતીના પરિવારમાંથી કોઈએ અપહરણકારોને ખંડણી ચૂકવી હતી પરંતુ આમ તેમનો છૂટકારો ન થતા પરિવારે સ્થાનિક પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી. બીજી નવાઈની વાત એ છે કે એજન્ટ અલ્પેશ પટેલે પણ કોઈ અન્યને આ કામ સોંપેલું હતું પરંતુ હાલ તેનો પણ કોઈ અતોપત્તો નથી. અન્ય ચોંકાવનારી વિગતો એ પણ છે કે આ અગાઉ બીજા પણ કેટલાક લોકો આ રીતે યમન ગયા હતા પરંતુ તેમની હજુ સુધી કોઈ ભાળ નથી.