
અમરેલીના લીલિયા પંથકમાં આવેલા ગુંદરણ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર ચારમાંથી ત્રણ કિશોરના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની જાણ થતા જ લીલિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. હોળીના તહેવાર પહેલા બનેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે.
લીલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ડી. સાળુકેએ અકસ્માત અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મૃતકો અને ઇજાગ્રસ્ત યુવક મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા અંદાજે ૧૬ વર્ષથી લીલિયા પંથકમાં સ્થાયી થઈને મજૂરી કામ કરતા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ત્રણેયના મૃતદેહોને લીલિયા ખસેડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને વાહન ચાલક સામે ગુન્હો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ યુવક સગીર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ બાઇક પર સવાર થઇને જતા હતા આ દરમિયાન એક ટ્રકની પાછળ ઘુસી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં બાઇક પર સવાર જયેશ બરસિંગ (૧૭ વર્ષ), હેમરાજ સિંઘ (૧૪ વર્ષ) અને રઇલેશ સિંઘ (૧૨ વર્ષ)નું મોત થયું હતું જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુનિલ સિંઘ (૧૮ વર્ષ)ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.