અમરેલીના ગિરિયા ગામ નજીક પાંચ દિવસ પહેલા બનેલી હૃદયદ્રાવક ઘટનામાં હવે મોટા ખુલાસા થયા છે. કૂવામાંથી પિતા અને માસૂમ પુત્રીની લાશ મળી આવવાના કેસમાં પોલીસે હવે પત્ની સહિત ૭ લોકો સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મૃતક યુવકના ઘરેથી મળી આવેલી સુસાઈડ નોટે આ સમગ્ર કેસમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી જાણકારી અનુસાર પાંચ દિવસ પહેલા અમરેલીના ગિરિયા ગામ પાસેના એક કૂવામાંથી પિતા અને તેની ૧૨ વર્ષિય બાળકીની લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ દિપકભાઈ રામાણી (ઉં.વ. ૪૦) તરીકે થઈ હતી, જેઓ અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજ બજાવતા હતા. શરૂઆતમાં અમરેલી તાલુકા પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી હતી, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ ચોંકાવનારી વિગતો સામે આવવા લાગી.
ઘટના બાદ પોલીસને મૃતક દિપકભાઈના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં દિપકભાઈએ પોતાની વેદના ઠાલવી હતી. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, દિપકભાઈને તેમની પત્ની અને સાસરી પક્ષના અન્ય સભ્યો દ્વારા અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસ અને કૌટુંબિક કલેશથી કંટાળીને અંતે દિપકભાઈએ પોતાની વ્હાલસોયી દીકરી સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.
સુસાઈડ નોટના આધારે અમરેલી તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મૃતક દિપકભાઈની પત્ની સહિત કુલ ૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સહકારી બેંકના કર્મચારીના આવા અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં અને બેંકિંગ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો દિપકભાઈનો મોબાઈલ ફોન હોવાનું મનાય છે. પોલીસને આશંકા છે કે આપઘાત કરતા પહેલા દિપકભાઈએ પોતાનો મોબાઈલ કૂવામાં ફેંકી દીધો હતો. આ મહત્વના પુરાવાને મેળવવા માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ગિરિયા પાસેના ૫૦ ફૂટ ઊંડા કૂવા પર પહોંચી હતી. કૂવામાં મોબાઈલ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જાકે, હજુ સુધી મોબાઈલ મળી શક્યો નથી.