
અમદાવાદમાં ૧૯ સપ્ટેમ્બરની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે શહેરમાં વરસાદી માહોલ હજુ થોડા દિવસ યથાવત રહેવાની શક્યતા છે.અમદાવાદ શહેરમાં આ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ ૩૪.૮૫ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્્યો છે.
આ સાથે શહેરમાં સિઝનનો સરેરાશ ૧૦૦ ટકા વરસાદ પૂર્ણ થયો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૮.૬૭ ઈંચ વરસાદ નોંધાયો છે, જે સરેરાશની સરખામણીએ ૧૦૮ ટકા છે. ૧૯ સપ્ટેમ્બરના વરસાદ દરમિયાન બાકરોલમાં સૌથી વધુ ૧.૨૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે લાંભામાં પોણો ઈંચની આસપાસ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વિરમગામ, માંડલ, ધોળકા, ધંધુકા, દેત્રોજ અને દસક્રોઈ સહિતના વિસ્તારોમાં પણ સિઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન થયેલા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ ૬૯.૯૬ ટકા સુધી પહોંચી ગયો છે. આ પૈકી ૪૩ જળાશયોમાં પાણીનું સ્તર ૯૦ ટકાથી વધુ થઈ ગયું છે. જેના કારણે આ જળાશયોને હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યના ૨૮ જળાશયો હાલમાં સંપૂર્ણપણે ભરાઈ ચૂક્્યા છે. રાજ્યના ૩૯ જળાશયોમાં પાણીનો જથ્થો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે છે. ૨૫ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા અને ૪૧ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. બીજી તરફ ૭૩ જળાશયોમાં હજુ પણ જળસ્તર ૨૫ ટકાથી ઓછું છે.સ્થાનિક સમાચાર
સંપૂર્ણ ભરાયેલા જળાશયોમાં ભાવનગરના પાંચ અને અમરેલીના ચાર જળાશયોનો સમાવેશ થાય છે. જ્યારે બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી અને રાજકોટના બે-બે જળાશયો પણ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર અને તાપીના એક-એક જળાશયમાં પણ ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક પર તંત્રની નજર રહેશે.