અમદાવાદ: સાયબર ક્રાઈમના કેસમાં ભાવનગરના એનએસયુઆઇ પ્રમુખની ધરપકડ કરાઇ

સાયબર ક્રાઇમમાં રોકાણના નામે ૪૭.૫૦ લાખનું સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં છેતરપિંડીના નાણાં જે એકાઉન્ટમાં ગયા હતા તેની પોલીસે તપાસ હાથ ધરી હતી. જે ફ્રોડમાં વપરાયેલા બેંક એકાઉન્ટોની તપાસ દરમિયાન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ ભાવનગરના પ્રમુખની સંડોવણી સામે આવતા પોલીસે ભાવનગર એનએસયુઆઇ પ્રમુખની ધરપકડ કરી છે. ફ્રોડની રકમના કેટલાક નાણાં જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ આરોપીએ તે નાણાં ખાતા ધારક પાસે વિડ્રો કરાવીને આંગડિયા મારફતે મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.

કેટલાક સમય અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમમાં રોકાણના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગઠિયાઓએ ભોગ બનનારને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને સારા નફાની લાલચ આપીને ૫૦.૫૦ લાખ પડાવી લીધા હતા. જે બાદ ત્રણ લાખ પરત આપીને ૪૭.૫૦ લાખ ન આપીને છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ વર્ષ ૨૦૨૪થી ભોગ બનનારને વિવિધ લાલચો આપીને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને રોકાણ કરાવીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ૪૭.૫૦ લાખનું સાયબર ફ્રોડ આચર્યું હતું.

ફ્રોડના નાણાં જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તે બેંક એકાઉન્ટની વિગતોનું એનાલિસિસ કર્યા બાદ પોલીસે એક આરોપીનું ભાવનગરનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેથી સાયબર ક્રાઇમની એક ટીમે ભાવનગર જઈને આરોપી અર્શમાનખાન શુક (બલોચ)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે કન્સ્ટ્રક્શનનું કામ કરવાની સાથે ભાવનગર એનએસયુઆઇનો પ્રમુખ હોવાનું સામે આવ્યું છે.

આરોપી અર્શમાનખાને ગુજરાત યુવક કોંગ્રેસ ચૂંટણી-૨૦૨૫માં પ્રમુખ પદ માટે ઉમેદવારી પણ નોંધાવી છે. ફ્રોડના નાણાં જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા તે ખાતા ધારકોનો આરોપી સંપર્ક કરતો હતો. આ નાણાં ઘાસચારાના હોવાનું કહીને વિડ્રોલ કરાવી લેતો હતો. બાદમાં આરોપી તે નાણાં આંગડિયા મારફતે મેળવી લેતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આરોપી અર્શમાનખાને અત્યાર સુધીમાં કુલ ૧૧ એકાઉન્ટ ગેંગને પૂરા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે આશરે દોઢ કરોડ રૂપિયા લીધા છે. આરોપી બેંકના ડોક્યુમેન્ટ મેળવીને તેમાં આવતા ફ્રોડના નાણાં વિડ્રોલ કરાવીને આંગડિયા મારફતે મેળવી લેતો હતો. હાલ સુધીમાં કુલ ૧૧ એકાઉન્ટમાં નાણાં મેળવ્યા છે. જેમાં ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, તેલંગણા, આંધ્રપ્રદેશમાં નોંધાયેલી ફરિયાદોમાં આ એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.

આરોપી અર્શમાનખાન દોઢ વર્ષ પહેલા દુબઇ ખાતે સ્ક્રેપના ધંધા માટે ગયો હતો. ત્યારે ત્યાં ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મુલાકાત કરી હતી. દુબઇ-ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મળીને દોઢ વર્ષમાં દર ટ્રાન્ઝેક્શને ૨૫ ટકા કમિશન મેળવ્યું હોવાની આશંકા પોલીસને છે. આરોપીએ ફ્રોડની રકમમાંથી મોટા પ્રમાણમાં સંપત્તિ અને લક્ઝુરિયસ ગાડીઓ પણ વસાવી છે. આરોપી વિરુદ્ધમાં પાલીતાણામાં મારામારી અને વડોદરામાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી નાણાં કન્વર્ટ કરીને ક્રિપ્ટો કરન્સીમાં વિદેશમાં બેઠેલી ગેંગને પહોંચાડતો હોવા બાબતે પોલીસે તપાસ તેજ કરી છે.