
ભાવનગર જિલ્લામાં એક જ માર્ગ ઉપર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ચોવીસ કલાકમાં માતબાર દારૂ ભરેલો બીજો ટ્રક ઝડપી લીધો છે. ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલી બાતમીને પગલે ઘોઘા રોરો ફેરી સવસમાં આવેલા ટોરસ ટ્રકને ઉભો રાખીને તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન ટ્રકમાં ઈલેક્ટ્રીક સામાનના આડમાં લાવવામાં આવેલો દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે આ મામલે બે શખ્સોને ઝડપી લીધા છે. આમ કુલ પાંચ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. જો કે આ દારૂ ક્યાંથી આવ્યો ?
ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ઘોઘા તાલુકાના રો-રો ફેરી સવસના માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી. ટીમને બાતમી મળી હતી કે, ઘોઘા રોરો ફેરી સવસમાં એક ટ્રકમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે, જેને પગલે ઘોઘા રો રો ફેરી સવસના રોડ ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટ્રક આવતા તેને ઉભી રાખવાની પ્રયાસ કર્યો હતો. સરળતાથી ટ્રક ઉભો ન રહેતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો અને ટ્રકને ઉભો રાખીને તપાસ હાથ ધરી હતી.
પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટ્રકને ઉભો રાખીને તેના ચાલકનું નામ પુછતા તેનું નામ અર્જુન બંસીલાલ નટ અને તે રાજસ્થાનનો રહેવાશી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની બાજુની સીટમાં બેઠેલા શખ્સનું નામ પૂછતા તેને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા અને રાજસ્થાનનો રહેવાશી હોવાનું જણાવ્યું હતું. જો કે બંનેને નીચે ઉતારીને પાછળના ભાગમાં રાખવામાં આવેલો માલ સામાન ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે પૂઠામાં રાખેલા ઈલેક્ટ્રીક સામાનના ખોખા નજરે પડ્યા હતા. જો કે ત્યારબાદ પોલીસે ટ્રક ઉપર ચડીને કેબિન તરફ બે નટ ખોલીને તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કેબિનના અંદરના ભાગમાં ચોરખાનામાંથી દારૂની પેટીઓ મળી આવી હતી.
પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આ ટ્રકમાંથી કુલ દારૂની બોટલ ૨૩૬૪ જેની કિંમત ૩૦,૫૪,૦૦૦ થવા જાય છે. પોલીસે ડ્રાઇવર અને કંડકટરને આ દારૂ ક્યાંથી લાવ્યા તેને પુછપરછ કરતા અમરસિંહ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંગ નામના શખ્સોએ આ દારૂ ગોવાથી ભરાવ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે દારૂની બોટલો, મોબાઈલ, ટ્રક મળીને કુલ ૪૦,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
જ્યારે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર અને કંડકટરને ઝડપી લીધા બાદ દારૂ મેળવનાર સુરતના રાજુભાઈ અને દારૂ ભરી આપનાર અમરસિંગ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંહ તેમજ ડ્રાઇવર અર્જુન બંસીલાલ નટ અને તેની સાથેના વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સોંપી છે.