છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, છોટાઉદેપુર, પાવીજેતપુર, કદવાલ સહિતના ૭ તાલુકામાં ખેડુતોને ખેતી માટે સમયસર બિયારણ અને ખાતર મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીને ગુજરાત પેટર્ન યોજનાની ગ્રાન્ટ ફાળવે છે.
ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ સંબંધિત વિભાગ દ્વારા જી.એન.એફ.સી.સહિતની કંપનીઓ પાસેથી બિયારણ અને ખાતરની ખરીદી કરી ખેડુતોને તેનુ વિતરણ કરવાનુ હોય છે. પરંતુ હાલ શિયાળુ પાકની ખેતી માટે બિયારણ અને ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ૬ હજાર જેટલી કિટો જીએનએફસી ના ડેપોમાં પડી રહી છે. બિયારણ અને ખાતરની કિટો ગોડાઉનમાં પડી હોવાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો ડેપો પર પહોંચ્યા હતા. સમગ્ર મામલે જવાબદારો પાસે ખુલાસો માંગ્યો હતો. ડેપોના મેનેજરને પુછપરછ કરતા મિટીંગ થયા બાદ વિતરણ કરવાની સુચના આપી હોવાનુ જણાવ્યુ હતુ. કોંગ્રેસના આગેવાનો આ મામલે રજુઆત કરવા પ્રાયોજના વહીવટદાર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ તેઓને અધિકારીઓ જવાબ આપવાનુ ટાળી રફુચકકર થયા હતા. હાલ ખેતીમાં બિયારણ અને ખાતર યોગ્ય સમયે મળે તે ખુબ જરી છે. શિયાળુ પાકની સીઝનમાં જો ખેડુતોને સમયસર કિટો નહિ મળે તો વાવણીમાં વિલંબ થવાની અને ખેતીના ઉત્પાદન પર વિપરીત અસર પડવાની ભિતી છે.