બોડેલી નર્મદા કેનાલમાં ડુબેલા યુવકનો મૃતદેહ કોલીયારી ગેટ નજીકથી મળ્યો

બોડેલી નર્મદા મેઈન કેનાલમાં ફુસકો મારનારા છોટાઉદેપુરના યુવકની લાશ કોલિયારી ગેટ પાસેથી મળી હતી. ૧૫ ઓક્ટોબરના રોજ બોડેલી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં યુવકે ઝંપલાવ્યું હતું. જેની શોધખોળ સ્થાનિક તરવૈયાઓએ કરી હતી. કોઈ પત્તો લાગ્યો નહોતો. તા. ૧૭ના રોજ બોડેલી નજીકના કોલિયારી ગામ પાસે નર્મદા કેનાલના ગેટ પાસે યુવકની લાશ જોવા મળી હતી.

મરણ જનાર યુવકના સગાં-સંબંધીઓ તેમજ મોરખલા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા યુવકની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. યુવકની ઓળખ થઈ હતી. તે છોટાઉદેપુર નગરની ગુ‚કૃપા સોસાયટી, સહજાનંદ પાર્કમાં રહેતો ૨૪ વર્ષીય તુષારભાઈ રમેશભાઈ રાઠવા હતો. તે ગત તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ સવારના ૯:૩૦ કલાકે હું બજારમાં જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો.

તે બોડેલી નર્મદા કેનાલ પર આવ્યો હતો. બપોરે દોઢ વાગ્યાના અરસામાં કેનાલમાં ઝંપલાવ્યો હતો. આ અંગે તેના વોટ્સએપ સ્ટેટસથી પરિવારને જાણ થઈ હતી. પરિવારજનોએ તુરત જ ૧૧૨માં જાણ કરી હતી. તાત્કાલિક બોડેલીની ૧૧૨ પોલીસ વાન ૧:૩૦ વાગ્યાની આસપાસ બોડેલી નર્મદા મુખ્ય કેનાલ નજીક પહોંચી હતી. યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતું.

તે દૃશ્ય જોતા જ ૧૧૨ના પોલીસ જવાને યુવકને બચાવવા માટે દોરડું નાખ્યું હતું. પરંતુ બચાવ દરમિયાન પાણીના પ્રવાહમાં યુવક તણાઈ ગયો હતો. તા. ૧૭ના રોજ બોડેલી પોલીસે કેનાલમાંથી બહાર કાઢેલી યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આગળની જ‚રી કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.