છોટાઉદેપુર ઓરસંગ કોરી રહેતા જળસંકટના એંધાણ

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી છોટાઉદેપુર નગરની અંદાજે ૩૫ હજારની વસ્તીને પાણી પુ‚ પાડે છે. ધરે ધરે પાણી પહોંચાડવાનો વહીવટ પાલિકા તંત્ર કરે છે. પરંતુ ચાલુ વર્ષે ૫ાલિકાની મુંઝવણમાં વધારો થયો છે. ચાલુ વર્ષમાં ચોમાસાની ઋતુ નબળી હોવાના કારણે ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ ખુબ ઓછો થયો હોવાના કારણે ઓરસંગ નદીમાં પાણી આવ્યા નથી. દર વર્ષે ધોડાપુર આવતા હોય છે પરંતુ આ વર્ષે જોઈએ તેટલી પાણીની આવક નહિ થતાં અત્યારથી જ પાણીના સ્તર ધટી રહ્યા છે.

છોટાઉદેપુર નગર સહિત છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી આ વર્ષે શિયાળાની શ‚આત પહેલા જ કોરી જોવા મળી રહી છે. જયારે મે-માર્ચ મહિનામાં જે પાણી સુકાતુ હતુ તે અત્યારથી જ સુકાવવા લાગ્યુ છે. જયારે હવે છોટાઉદેપુર નગરની પ્રજાને એકથી દોઢ મહિનો જ પાણી મળે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. ત્યારબાદ હાફેશ્ર્વર યોજનાનુ વેચાતુ પાણી મંગાવવાની ફરજ પડશે તેમ લાગી રહ્યુ છે. જયારે ‚.૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેકડેમ પણ હવે વ્યર્થ થઈ ગયો હોય તેમ લાગી રહ્યુ છે.ચેકડેમની આસપાસ લીલવાળુ ગંદુ પાણી જોવા મળે છે. ભુતકાળમાં સદર ચેકડેમથી ફાઈબરની પ્લેટો અજાણ્યા ઇસમો દ્વારા કાઢી નંખાઈ હતી. અને સંગ્રહાયેલ પાણી વહી ગયુ હતુ. જેના કારણે લોકોના નદીમાં કરેલી વાડીઓનો પાક ધોવાઈ ગયો હતો. જેની સાથે ઓરસંગમાં ગામલોકોએ બનાવેલ રસ્તો પણ ધોવાઈ ગયો હતો. અને ખેડુતોને લાખોનુ નુકસાન થયુ હતુ. આ પ્લેટો કાઢી નાંખવામાં રેતી માફિયાઓ જવાબદાર હતા પરંતુ તંત્ર આ પ્લેટો કાઢી નાંખવાને વાળાને પકડી શકયુ નથી. છોટાઉદેપુર ઓરસંગ નદીમાં છેલ્લા ધણા વર્ષોથી બેફામ રેતી ખનન ગેરકાયદેસર ચાલી રહ્યુ છે. આ રેતી ખનનને ડામવા તંત્ર પાંગળુ પુરવાર થયુ હોય તેમ નરી આંખે દેખાઈ રહ્યુ છે. જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા સિવાય કંઈ બચ્યુ નથી.