
નવી બિલ્ડિંગ તૈયાર થાય ત્યાં સુધી દર મહિને રૂ.૧૦,૦૦૦ ભાડું ચૂકવવાની જવાબદારી સ્વીકારી.
કાલોલ તાલુકાના ડેરોલ ખાતે આવેલા આપણું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ગોધરાના જાણીતા ઉધોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા માનવતાભર્યું પગલું લેવામાં આવ્યું છે. વૃદ્ધાશ્રમની નવી બિલ્ડિંગ તૈયાર થાય ત્યાં સુધી વડીલો માટે રહેવાની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી દર મહિને રૂ.૧૦,૦૦૦ ભાડું ચૂકવવાની જવાબદારી તેમણે સ્વીકારી છે.આ ઉપરાંત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની અન્ય જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને સતત સહયોગ આપવાની પણ તેમણે ખાતરી આપી છે. વડીલોની આરોગ્યસંભાળ માટે દર અઠવાડિયે અઊં હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ તબીબી સહાય પૂરી પાડવામાં આવશે.
વડીલોને આશ્રય સાથે જરૂરી આરોગ્યસેવા અને અન્ય સુવિધાઓ મળી રહે તે માટે હાથ ધરવામાં આવેલી આ પહેલ સેવાભાવનું ઉદાહરણ બની રહી છે. વૃદ્ધાશ્રમના વડીલોની સંભાળ અને જરૂરીયાતોમાં સતત સહયોગ આપવાની આ પહેલને માનવસેવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.