પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ પંથકના ખેડુતોને વરસાદ ખેંચાઈ જતાં સિંચાઈ માટે પાણીની તાતી જરિયાત હોય સુખી જળાશયમાંથી પાણી આપવાની માંગ કરી રહ્યા છે. પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે આવેલ સુખી ડેમ જિલ્લાની ૨૦ હજાર હેકટર કરતા વધુ જમીનને સિંચાઈ પુ પાડી શકાય તે માટે યોજના બનાવવામાં આવી હતી. અને તે યોજના અંતર્ગત અસંખ્ય ખેડુતોના જીવનમાં પરીવર્તન પણ આવ્યુ. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સુખી સિંચાઈ યોજનાની નહેરોના નવીનીકરણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે. જેને કારણે ખેડુતોએ સિંચાઈ માટે પાણી આપવામાં આવતુ નથી.
અત્યારે ચોમાસુ ચાલુ છે. પરંતુ વરસાદ ખુબ ઓછો છે. અને હાલ વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેના કારણે ખેડુતોનો ઉભો પાક પાણીના અભાવે સુકાઈ જાય તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. અગાઉ વરસાદ મોડો પડતા ખેડુતોને બે-બે વખત મોંઘાભાવના બિયારણો ફેલ થયા હતા. અને ત્યારબાદ બિયારણ વાવણી કરી બાદ વરસાદ આવતા સારો એવો ખર્ચ કરીને પાકને તૈયાર કર્યો હતો. ત્યારે વરસાદે હાથતાળી આપતા ખેડુત મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં ડુંગરવાટ પંથકના ખેડુતોને સિંચાઈ માટેના પણીની તાતી જરિયાત છે. ત્યારે સુખી સિંચાઈ દ્વારા પાણી અપાતુ નથી. સુખી ડેમની સપાટી અત્યારે ૧૪૬.૮૩ મીટરની છે. જે લગભગ ફુલ કહી શકાય તેટલી છે. સુખી જળાશય યોજનાની મહત્તમ સપાટી ૧૪૭.૮૨ મીટરની છે. તંત્રના અણધડ વહીવટના કારણે છતે પાણીએ હવાતિયા જેવી સ્થિતિ થવા પામી છે.