સુખસરના લખણપુરમાં વીજ વાયરોની ચોરીમાં એમજીવીસીએલની ફરિયાદની નકલની માંગ જયારે પોલીસ સાહેબ રજા પર હોવાનુ ગાણ

એક તરફે મેઘરાજાએ હાથતાળી આપતા ખેડુતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ સરકારી તંત્રની અણધડ નિતી અને બેદરકારીના કારણે ખેડુતોનો ઉભો પાક નજર સામે બળી રહ્યો છે. સુખસર નજીકના લખણપુર ગામના તળગામ ફળિયામાં તસ્કરો એગ્રિકલ્ચર વીજ લાઈનના વાયરો કાપી જતાં ખેડુતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની ધાંધિયાશાહી સામે ખેડુતો લાચાર બન્યા છે.

લખણપુર ગામના તળગામ ફળિયામાં આવેલ માનસિંગભાઈ જોતીભાઈ તાવિયાડ સહિત ૭ જેટલા ખેડુતોએ પોતાના કુવાઓ પર એગ્રિકલ્ચર વીજ કનેકશન લીધેલા છે. વરસાદ ખેંચાતા કુવામાં રહેલુ થોડુ ધણુ પાણી ઈલેકટ્રીક મોટર મારફતે પાકને આપીને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. તેવામાં ગત દસેક દિવસ અગાઉ કોઈ જાણભેદું તસ્કરો રાત્રિના અંધારામાં આ વીજ લાઈનના વાયરો કાપી ચોરી ગયા હતા. વાયર ચોરી થતાં ખેડુતોએ સુખસર પોલીસ સ્ટેશન તથા એમજીવીસીએલ કચેરી ફતેપુરા ખાતે લેખિત જાણ કરી હતી. પોલીસે સ્થળ તપાસ તો કરી પણ કાર્યવાહી અટકી પડીછે. ખેડુતો જયારે એમજીવીસીએલ કચેરીએ નવો વાયર જોડવા રજુઆત કરવા જાય છે ત્યારે અધિકારીઓ પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદની નકલ લાવો પછી આગળ વધીએ…તેવો જવાબ આપે છે. બીજી તરફ સુખસર પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરતા સાહેબ રજા પર છે…તેવુ કહીને ખેડુતોને ધકકે ચઢાવાઈ રહ્યા છે. પોલીસ અને વીજ કંપની વચ્ચે કાગળિયાની રમત ચાલતી હોવાથી નવો વીજ વાયર જોડવાની કામગીરી અટકી પડી છે. મોટર બંધ રહેતા કુવામાં પાણી હોવા છતાં ખેડુતો પાકને આપી શકતા નથી. પરિણામે નજર સામે જ મોંઘાભાવનુ બિયારણ અને ખાતર નાંખીને વાવેલો પાક મુરઝાઈ રહ્યો છે. કાયદાકિય આંટીધુંટી અને સરકારી આળસના કારણે ધરતીપુત્રો ભારે આક્રોશ અને લાચારી અનુભવી રહ્યા છે.