–૧૦ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ
ગોધરા તાલુકામાં રેતીની હેરાફેરી અને ખનન સામે સરકારી અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલ આકસ્મિક ચકાસણી અભિયાન દરમિયાન રેતી માફિયાઓએ સરકારી ટીમ પર હુમલો કરી કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કરી અને રેતી ભરેલ ટ્રકો ભગાડી જવાના મામલે ગોધરા ગ્રામ્ય મામલતદારે ફરિયાદ નોંધાવી હતી.
ગોધરા ગ્રામ્ય મામલતદાર તણકુમાર પટેલ, ગોધરા સિટી મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા, રેવન્યુ તલાટી ચિરાગ ગોસ્વામી તથા તલાટી અંકિત પટેલની સંયુકત ટીમે ખાનગી કારમાં રેતીના ગેરકાયદે વહન સંદર્ભે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા હતા. તપાસ દરમિયાન ગદુકપુર પોલીટેક્નિક નજીક રેતી ભરેલી એક ટ્રક મળી આવી હતી. જેની પાસે રોયલટી પાસ ન હોવાથી તેને રોકાઇ હતી. બાદ સીમલીયા રોડ તરફ આગળ વધતા બે ટ્રક પર રોયલ્ટી વગર પસાર થતી પકડાઇ હતી. ત્યારે અચાનક બે કારમાં ૧૦ શખ્સો આવ્યા હતા. વિનોદ વણઝારા અને તેના સાથીઓએ ટ્રકમાં બેઠેલા રેવન્યુ તલાટી ચિરાગ ગોસ્વામીને નીચે ધકકો મારી ઝપાઝપી કરી બંને રેતી ભરેલ ટ્રક ભગાડી મુકી હતી. અધિકારીઓએ પીછો કરતા બામરોલી ચોકડી નજીક મામલતદારની કારને ઘેરી લીધી હતી. મામલતદાર તણ પટેલે ઓળખ આપવા છતાં આરોપી ચિરાગ વણઝારાએ ઉદ્ધતાઈથી વર્તન કરી મામલતદારનો કોલર પકડીને અપશબ્દો બોલ્યા હતા. અન્ય કિશન વણઝારાએ સરકારી ગાડી પર હાથ પછાડી ધમકી આપી હતી કે, અમે વણઝારા છીએ, તમને ખોટા કેસમાં ફસાવી દઈશુ. જયારે કરણ વણઝારા, રોની વણઝારા અને સાથીઓએ સિટી મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા, અને તલાટી ચિરાગ ગોસ્વામી સાથે મારપીટ કરી ધમકી આપી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તલાટી ચિરાગ ગોસ્વામીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગોધરાના ગ્રામ્ય મામલતદારે તાલુકા પોલીસ મથકે વિનોદ વણઝારા, ચિરાગ ઉર્ફે કન્ના વણઝારા, કિશન વણઝારા, કરણ વણઝારા, રોની વણઝારા તથા અન્ય પાંચ અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.