
ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સસ્તા ભાવે સોલાર પેનલ વેચવાની લોભામણી જાહેરાત આપીને દાહોદના વેપારી સાથે .૧૯,૯૪,૧૭૫/-ની મસમોટી ઓનલાઈન ઠગાઈ આચરનાર હરિયાણાના ફરીદાબાદથી મોહંમદ શાદાબ નામક યુવકને દાહોદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. સાયબર ભોગ બનનાર દાહોદના વેપારીને શાદાબે ઇન્સ્ટાગ્રામ પર ઓછી કિંમતે સોલાર પેનલ આપવાની જાહેરાત બતાવીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ વેપારીનો વિશ્ર્વાસ જીતવા માટે શાદાબે એજીએક સોલાર નામના કાગળ પર એમએસએમઈ જીએસટી નંબર અને પરફોર્મા ઈન્વોઈસ બનાવીને મોકલ્યા હતા. જેથી કંપની અસલી હોવાની માનીને વેપારીએ અલગ અલગ બેંક ટ્રાન્ઝેકશન મારફતે રૂ.૧૯,૯૪,૧૭૫/-જેટલી રકમ આરોપીના ખાતામાં ટ્રાન્સ્ફર કરાવી દીધી હતી. રકમ મળ્યા બાદ સોલાર પેનલ ન મોકલીને સંપર્ક કાપી નાંખતા વેપારીએ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ એસ.પી.રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર કે.એસ.ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ એનાલિસીસ અને બેન્કિંગ ટ્રાન્ઝેકશનના આધારે આરોપીનુ લોકેશન ટ્રેસ કરીને પોલીસે હરિયાણાના ફરીદાબાદ ખાતેથી મોહંમદ શાદાબની અટકાયત કરી હતી. દાહોદ સાયબર ક્રાઈમ પોલીસની સક્રિય કામગીરીના કારણે ફ્રોડમાં ગયેલી સમગ્ર .૧૯,૯૪,૧૭૫/-ની રકમ સફળતાપુર્વક રિકવર કરી લેવામાં આવી છે. આ સાથે તેના બે દિવસના રિમાન્ડ મેળવીને આગળ તપાસ હાથ ધરી હતી.