સંખેડાના ગોલા ગામની ચોકડી પાસે ખાનગી હોટલ નજીક બે લાખના ખર્ચે સામુહિક શોૈચાલયના બાંધકામ સામે પ્રશ્ર્નો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામની ચોકડી નજીક સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવવામાં આવેલા સામુહિક શોૈચાલયને લઈને વિવાદ સર્જાયો છે. ગોલા ગામથી વાઘોડિયા તરફ જવાના માર્ગ ઉ૫ર આવેલી એક ખાનગી હોટલના કમ્પાઉન્ડને અડીને અંદાજે રૂ.૨ લાખના ખર્ચે સામુહિક શોૈચાલય બનાવવામાં આવ્યુ હોવાના આક્ષેપો થયા છે. સમગ્ર મામલાના વીડિયો સોશિલય મીડિયામાં વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને સંખેડા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સંખેડા તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ સામુહિક શોૈચાલયનુ બાંધકામ કરાયુ છે. જોકે સ્થળે શોૈચાલય બનાવ્યુ છે. ત્યાં આસપાસ માનવ વસ્તી ન હોવા અંગે સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવ્યા છે. આ સ્થળ ખાનગી હોટલને અડીને આવેલુ હોવાથી શોૈચાલયના બાંધકામનો લાભ હોટલને મળતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જે સ્થળે માનવ વસ્તી જ નથી ત્યાં સામુહિક શોૈચાલય બનાવવાની જરૂરિયાત ખરેખર હતી કે કેમ…?તેમજ શોૈચાલય માટે સ્થળ પસંદગી કરતી વખતે સ્થળ પર જઈને યોગ્ય ચકાસણી કરી હતી કે કેમ…? તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી જીગર પ્રજાપતિ સ્થળ પર પહોંચ્યા હતા. અને શોૈચાલયની સ્થળ તપાસ કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શોૈચાલય બનાવ્યુ છે. અને તેના માટે સરકાર તરફથી ‚.૨ લાખની ગ્રાન્ટ ફાળવી છે. અધિકારીએ સ્થળ પર શોૈચાલયનો ઉપયોગ થઈ રહ્યો હોવાનુ પણ જણાવ્યુ હતુ. આ મામલે સરકારી તંત્ર દ્વારા સ્થળ પર કરેલી તપાસ બાદ શુ હકીકત બહાર આવે છે અને શોૈચાલય માટે સ્થળ પસંદગી તથા ગ્રાન્ટના ઉપયોગની પ્રક્રિયા નિયમો મુજબ કરી હતી કે કેમ…? તેના પર હવે સોૈથી નજર છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જો કોઈ ગેરરિતી સામે આવે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.