
શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામે વડોદરા પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૪ની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ લઈ જવાતો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે ગોલ્ડન ચોકડીથી લેક્ઝોન તરફ જતા માર્ગ પર એરફોર્સ ગેટ સામે એક સ્કોર્પિયો કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પતિ-પત્ની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર કેસમાં કુલ ૫૭.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વડોદરા એલસીબી ઝોન-૪ની ટીમને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક સ્કોર્પિયો કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કાર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં સવાર દંપતી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ તાલુકાના સુરજની ગામમાં રહેતા અય્યુબખાન મોહમ્મદજમાનખાન અને તેની પત્ની નાઝમીન ડ્રગ્સના ગેરકાયદે ધંધામાં સંકળાયેલા હતા.આરોપી નાઝમીને પોતાના શરીરના છાતીના ભાગે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હતો. બંને પોતાની માલિકીની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં મંદસૌરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.
પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ આ એમડી ડ્રગ્સનો જથ્થો મંદસૌરના જાફર નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો.આરોપીઓએ અંદાજે ૭ લાખ રોકડા આપી ડ્રગ્સ મેળવ્યું હતું અને તેને અમદાવાદમાં રહેતા રવિ નામના વ્યક્તિને વેચવાનો હતો.હાલમાં ડ્રગ્સ સપ્લાયર જાફર અને ખરીદદાર રવિ ફરાર છે. પોલીસે બંનેને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે આરોપી નાઝમીનની અંગઝડતી દરમિયાન કુલ ૧ કિલો ૩૯૬ ગ્રામ ૭૧૦ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની કિંમતઃ ૪૧,૯૦,૧૩૦, મોબાઈલ ફોન અને રોકડ રકમ અને મહિન્દ્રા સ્કોર્પિયો કાર કિંમતઃ ૧૫ લાખ મળી કુલ ૫૭,૧૯,૬૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.