
ઝાલોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાનને વધુ અસરકારક બનાવવા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી તેમજ જનજાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતા.
નગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય બજાર, કસ્બા વિસ્તાર, વડ બજાર અને ખાટવાડા વિસ્તાર સહિતના વિસ્તારોમાં મુલાકાત લઈ વેપારીઓ અને નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર પડતી ગંભીર અસરો અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
અભિયાન દરમિયાન વેપારીઓને રાજ્ય સરકારના નિયમોનું કડક પાલન કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા તેમજ તેના વિકલ્પપે કપડાની અને કાગળની થેલીઓનો ઉપયોગ વધારવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવી પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરાયો હતો.
નગરપાલિકાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ અને હરિયાળું શહેર બનાવવા માટે માત્ર તંત્રના પ્રયાસો પૂરતા નથી, પરંતુ દરેક નાગરિક અને વેપારીનો સહયોગ પણ એટલો જ જરી છે. શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સૌએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરી છે.
આ સમગ્ર ઝુંબેશ ચીફ ઓફિસર વૈશાલીબેનના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના કાઉન્સિલરો તથા કર્મચારીઓએ સક્રિય ભાગ લઈ અભિયાનને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઝાલોદ નગરપાલિકાની આ પહેલ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત શહેરના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.