દાહોદ શહેર સહિત સમગ્ર જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલી આકરી ગરમી અને અસહ્ય ઉકળાટને કારણે જીલ્લા વાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે દેવગઢ બારીયા નગરમાં ગોધરાથી આવેલ એક મુસ્લિમ મહિલાને તેમજ ધાનપુરના વાસિયા ડુંગરી ગામે ગરબાડા તાલુકાના નાદવા ગામના એક આધેડને ચક્કર આવતા પડી જતા બંને જણા અટાણે મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પડતી આકરી ગરમી અને અસહ્ય ઉકળાટથી બચવા આપવામાં આવતી વિવિધ પ્રકારની ચેતવણીઓ વચ્ચે ગઈ કાલે દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ અને જુદા જુદા સમયે એક મહિલા સહિત બે જણા આકરી ગરમી અને અસહ્ય ઉકળાટનો ભોગ બનતા તે બંનેના અટાણે મોત નીપજ્યા હતા. જેમાં દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના નાંદવા ગામે મંદિર ફળિયામાં રહેતા ૪૭ વર્ષીય રાજુભાઈ કેશવભાઈ ભુરા ગઈકાલે બપોરના અઢી વાગ્યાના સુમારે કોઈ કામ અર્થ ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામે ગયા હતા, તે વખતે તેઓને સખત ગરમી અને અસહ્ય ઉકળાટના કારણે ગભરામણ થવાથી અચાનક ચક્કર આવતા તેઓ નીચે પડી ગયા હતા. તે સમયે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સીવાન બોલાવી તેમાં તેઓને સારવાર માટે ધાનપુર સરકારી હોસ્પિટલમાં લઈ જતા હતા એ દરમિયાન રસ્તામાં જ રાજુભાઈ ભૂરાનુ મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર રાજુભાઈ ભુરાનાપિતા ૭૨ વર્ષીય કેશવભાઈ જેસિંગભાઈ ભૂરાએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના સુમારે દેવગઢ બારીયા નગરના સર્કલ બજાર પાસે બનેલા બનાવવામાં પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના અબ્દાલવાડા, જૂની પોસ્ટ ઓફિસના ઢાળમાં રહેતી ૩૩ વર્ષીય યાસ્મીનબાનુ યુસુફશા કાલુશા અબ્દાલ દેવગઢ બારિયા ખાતે આવ્યા હતા અને દેવગઢ બારીયા ના સર્કલ બજારમાં રોડ પર અચાનક તેઓને ચક્કર આવતા પડી જતા માથા ના પાછળના ભાગે વાગી જતા લોહી નીકળી ગયું હતું. જેથી તેની સારવાર માટે તાત્કાલિક દેવગઢ બારિયા સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ સંબંધે ગોધરા અબ્દાલવાડા, જૂની પોસ્ટ ઓફિસ ના ઢાળમાં રહેતા ઈરફાન યુસુફ અબ્દાલે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા બારીયા પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી વધુ તપાસ હાથ હાથ ધરી છે.